Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

પોપટપરા નજીક થયેલી ચકચારી હત્યા કેસમાં આરોપીના જામીન મંજૂર

રાજકોટ, તા. ૨૮ : શહેરના પોપટપરા સેન્ટ્રલ જેલ નજીક સંતોષી માતાના મંદિર પાસે મનોજ પ્રેમજીભાઈ વડેચાને જેલના મુખ્ય ગેઈટ સામે જ છરીના ઘા ઝીકી દઈ હત્યાના ગુન્હામાં પકડાયેલ આરોપીના જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે પોપટપરા શેરી નં.૯/૧૫ના ખુણે રહેતો મનોજ પ્રેમજીભાઈ વડેચા (ઉ.૨૭) પોતાના એકટીવા મોટરસાયકલમાં પિત્રાઈ ભાઈ પોપટપરા શેરી નં.૬માં રહેતા વિપુલ વનરાજભાઈ વડેચા (ઉ.૨૪)ને બેસાડી પોપટપરા જેલમાં ખુનના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે રહેલા પોતાના ભાઈ સુનિલ પ્રેમજીભાઈ વડેચા અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ વનરાજભાઈ વડેચાને ટીફીન આપવા જતા હતા તે દરમિયાન બંને જેલના ગેઈટ અંદર કમ્પાઉન્ડમાં પહોંચ્યા ત્યારે સંતોષી માતાના મંદિર પાસે આરોપીઓ (૧) રાહુલ રાજેશભાઈ ટેકવાણી રહે. જંકશન પ્લોટ, કૈલાસવાડી શેરી નં.૩, નંદકિશોર એપાર્ટમેન્ટ, રાજકોટ (૨) મનોજ મુન્નાભાઈ રાઠોડ રહે. પોપટપરા, રઘુનંદન સોસાયટી, શેરી નં.૩-૪ ખૂણો, રાજકોટવાળાએ આંતરી લીધા હતા અને સીધા જ એકટીવા ચાલક મનોજને છરીના ઘા ઝીકી દીધા હતા. અચાનક હુમલો થતા મનોજે લોહીલુહાણ હાલતમાં જ જેલનો ગેઈટ ખુલ્લો હોઈ તે તરફ એકટીવા હંકારી દીધુ હતું અને જેલના અંદરના દ્વાર સામે પહોંચી ઢળી પડ્યો હતો. વિપુલની નજર સામે જ તેના ભાઈ મનોજ પર ઘા થઈ જતા તે પણ હેબતાઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં મનોજને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો જયા મનોજે દમ તોડી દીધો હતો જેની ફરીયાદ વિપુલ વડેચાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલ હતી.

પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપીઓ (૧) રાહુલ રાજેશભાઈ ટેકવાણી (૨) મનોજ રાઠોડની ખુનના ગુન્હામાં ધરપકડ કરી જેલ હવાલે કરતા આરોપી મનોજ મુન્નાભાઈ રાઠોડએ જેલમાંથી છુટવા માટે રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરેલ હતી. સદરહુ જામીન અરજી સુનાવણીર્થે આવતા આરોપી નં.૨ વતી રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણી નામદાર અદાલતમાં હાજર થયેલ હતા અને જામીન અરજી અન્વયે એવી દલીલ કરેલ હતી કે ચાર્જશીટ સાથેના તેમના પેપર્સ પૈકી એકપણ સાહેદના નિવેદન પરથી એવો કોઈ પુરાવો મળતો નથી કે આરોપી મનોજનો ગુન્હો કરવાનો કોઈ હેતુ, ઈરાદો પૂર્વ તૈયારી કે ગુનાહિત માનસ કે કોઈ ચોક્કસ રોલ ફલીત થતો નથી ત્યારે જામીન સંબંધેના હાઈકોર્ટ તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ટાંકી આરોપી મનોજને જામીન પર મુકત કરવા દલીલો કરેલ હતી.

બંને પક્ષકારોની દલીલોના અંતે સેશન્સ અદાલતે આરોપી તરફે થયેલ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મનોજ મુનાભાઈ રાઠોડના જામીન મંજૂર કરેલ હતા.

આ કામના આરોપી મનોજ રાઠોડ વતી રાજકોટના જાણીતા યુવા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ રોકાયેલ હતા.

(3:49 pm IST)