Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

રાજકોટમાં બનતી ઇલેકટ્રીક રિક્ષા યુરોપના રસ્તાઓ પર દોડશે

ભારતમાંથી ઇલેકટ્રીક રિક્ષા યુરોપના બજારમાં નિકાસ થાય એવું પહેલી વાર થઇ રહ્યું છે

રાજકોટ તા. ર૭ :.. એક સમયે છકડો રીક્ષા  થકી જેની ઓળખ હતી એવી રાજકોટની અતુલ ઓટો લીમીટેડની ઇલેકિટ્રક રિક્ષા હવે ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમ (યુકે)ના રસ્તાઓ પર દોડતી થઇ જશે. કંપનીએ થોડા સમય પહેલાં જ ત્યાંના નિયમો મુજબ પોતાની યોગ્યતા સાબિત કરી દેતાં અતુલ ઓટોને તમામ પ્રકારનાં અપ્રુવલ મળી ગયા છે. આગામી ત્રણ મહિનામાં યુકેમાં 'મેઇડ ઇન ઇન્ડિયા'ની ઇલેકિટ્રક રીક્ષા લોન્ચ થઇ જશે અને યુકેના રિસ્પોન્સના આધારે એક વર્ષ બાદ યુરોપના અન્ય દેશોમાં પણ રીક્ષા લોન્ચ કરવાનો પ્લાન અતુલ  ઓટોએ  બનાવ્યો છે. અતુલ ઓટોનો એક પ્લાન્ટ અત્યારે રાજકોટમાં શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં આવેલો છે અને કંપની પોતાનો બીજો પ્લાન્ટ ૪૦૦ કરોડના રોકાણ સાથે અમદાવાદ નજીક ચાંગોદાર ખાતે બનાવી રહી છે. આ નવા પ્લાન્ટમાં મોટા ભાગે ઇ-રીક્ષાનુંઉત્પાદન કરવામાં આવશે.

યુકેના પ્રોજેકટ વિશે અતુલ ઓટોના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર જયંતી ચાંદ્રાએ જણાવ્યું કે, ભારતમાંથી ઇલેકિટ્રક રિક્ષા યુરોપના બજારમાં નિકાસ થાય એવું પહેલી વાર થઇ રહ્યું છે. યુકે સરકારના તમામ નોર્મ્સ પરિપૂર્ણ કર્યા બાદ આવું કરવા માટે અમને મોકો મળ્યો છે. અમારા પ્રયત્નો રહેશે કે યુકેના હિસાબે આગામી એક વર્ષમાં અમે યુરોપનાં અન્ય બજારોમાં પણ પ્રવેશ કરી શકીશું. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતની તુલનાએ યુરોપમાં ઇલેકિટ્રક વેહિકલ ૧૦ વર્ષ અગાઉ જ સ્વીકારાઇ ગયા હતા અને એટલે જ ત્યાંનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન અથવા તો ચાર્જિંગ નેટવર્ક આપણા કરતાં વધુ મજબુત અને વ્યવસ્થિત છે.

(11:40 am IST)