Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

લોહાણા મહાજનની ચૂંટણી પ્રક્રિયા ગેરબંધારણીય

નામદાર હાઈકોર્ટના ઓર્ડરનો અનાદર : ચંદ્રકાંત ખખ્ખરની ચેરીટી કમિશ્નરમાં અરજી : કાલે સુનાવણી : મહાજન સમિતિને માત્ર સભાસદો અને પ્રમુખને ૧૨૫ સમિતિ જ ચૂંટી શકે, આમ છતાં ચૂંટણી? જે બંધારણની જોગવાઈ વિરૂદ્ધ

રાજકોટ, તા. ૨૮ : રાજકોટના લોહાણાબંધુ ચંદ્રકાંત ભીખાલાલ ખખ્ખરે ગઈકાલે તા.૨૭/૬/૧૮ના રોજ ઝોન ચેરીટી કમિશ્નરશ્રીની કચેરીમાં એપ્લીકેશન ૪૧-એ/૪/૨૦૧૮થી લોહાણા મહાજનની પ્રવર્તમાન ચૂંટણી પ્રક્રિયાને ગેરબંધારણીય હોવાથી પડકારેલ છે.

અરજી અનુસાર તેઓએ દાદ માંગેલ છે કે મતદારની ઉંમર જે પુખ્તવયની જાહેર નોટીસમાં દર્શાવેલ છે તેના બદલે બંધારણ મુજબ ૨૧ વર્ષ કે તેથી વધુ ઉંમરના જ્ઞાતિ બંધુ હોવા જોઈએ અને ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના જ્ઞાતિ બહેનો હોવા જોઈએ અને તે જ સભાસદો મહાજન સમિતિને ચૂંટવા માટે હક્ક ધરાવે છે.

મહાજન સમિતિને માત્ર સભાસદો જ ચૂંટી શકે છે અને પ્રમુખને ૧૨૫ની મહાજન સમિતિ જ ચૂંટી શકે છે. તેમ છતાં ચૂંટણી છે એ મહાજન સમિતિના પ્રમુખ તરીકેની જાહેર કરવામાં આવેલ છે. જે બંધારણની જોગવાઈ વિરૂદ્ધ છે.

તેમની મુખ્ય દાદ છે કે સમસ્ત જ્ઞાતિ સભા - સામાન્ય સભા બંધારણની જોગવાઈ મુજબ મહાજન સમિતિના ૨૪ મુરબ્બી સભ્યો અને ઓછામાં ઓછા ૧૧ સ્ત્રી સભાસદો મળી કુલ ૧૨૫ની મહાજન સમિતિની ચૂંટણી કરવી જોઈએ. આ મહાજન સમિતિ પોતાનામાંથી મહાજન સમિતિના પ્રમુખ તરીકે ચૂંટવા જોઈએ. જયારે જાહેરનામામાં મહાજન સમિતિના બદલે સામાન્ય સભા મહાજન સમિતિના પ્રમુખ તરીકે ચૂંટણી કરશે તે ગેરબંધારણીય છે. આ મુખ્ય દાદ છે.

અગાઉ નામદાર હાઈકોર્ટે મહાજનની ચૂંટણી સંદર્ભે આપેલા હુકમનામા વિરૂદ્ધ ચૂંટણીની કાર્યવાહી ચાલી રહી હોય કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવા માટે રાજકોટના નામાંકિત એડવોકેટશ્રીની સલાહ લેવાઈ રહ્યાનું પણ જાણવા મળે છે.

તા.૨૦/૬/૧૮ના રોજ ''અકિલા''માં જે સમાચારરૂપે પ્રસિદ્ધ થયેલ જે તમામ બાબતોનો અભ્યાસ કરી ચંદ્રકાંત ભીખાલાલ ખખ્ખરે રાજકોટના એડવોકેટ રવિ બી. ગોગીયા મારફત આ અરજી દાખલ કરેલ છે. એટલે કે ''અકિલા''માં પ્રસિદ્ધ થયેલ સમાચારના મુદ્દાઓને ધ્યાને લઈને ચેરીટી કમિશ્નરશ્રીને અરજી કરેલ છે જેની સુનાવણી આવતીકાલે ૨૯મી જૂને રાખવામાં આવેલ છે.(૩૭.૧૧)

(3:36 pm IST)