Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ઇભલા ગેંગે કચ્છી વૃધ્ધના ગળે છરી મુકી ખંડણી માંગી

મોરબી રોડ પર રહેતાં નામચીન શખ્સના ભાઇ સહિત ત્રણ સાગ્રીતો રિમાન્ડ પર છે ત્યાં વધુ એક કરતૂત બહાર આવી : લાતી પ્લોટ-૧૦માં સોૈરાષ્ટ્ર ઓઇલ કંપની નામે ધંધો કરતાં ૬૨ વર્ષિય શંકરલાલ ભાનુશાળીને ઇભલો, સલિમ, મહેબૂબ, હમીદ અને સાહિલે ધમકાવ્યાઃ ૨૪મીએ વણિક વેપારી કોૈશલભાઇ પાસે ખંડણીમાં ગોડાઉન માંગ્યું એ પછી કચ્છી વૃધ્ધના કારખાને જઇ આતંક મચાવ્યાનું ખુલતાં બીજો ગુનો દાખલ : કચ્છી વૃધ્ધને કહ્યું- ઘણા સમયથી તમારૂ ગોડાઉન ચાલે છે, એકપણ રૂપિયો આપ્યો નથી....હવે જીવતા રહેવું હોય તો ૨૦ હજાર આપવા પડશે, નહિતર કારખાનુ અમારું થઇ જશે!

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર રહેતાં નામચીન ઇભલા અને તેની ગેંગે લાતી પ્લોટના કારખાનેદારોને ધમકાવી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યાનો બીજો મામલો સામે આવ્યો છે. ૨૪મીએ વણિક વેપારી પાસે ખંડણીમાં ગોડાઉન માંગી તેને ધમકી આપવાના ગુનામાં પોલીસે ઇભલાના એક ભાઇ સહિત ત્રણને પકડ્યા છે અને આ બધા રિમાન્ડ પર છે ત્યાં વધુ એક ગુનો નોંધાયો છે. ૨૪મીએ જ આ ટોળકીએ લાતી પ્લોટમાં કચ્છી વૃધ્ધના કારખાને પહોંચી ગળા પર છરી રાખી ખંડણી પેટે ૨૦ હજાર નહિ આપે તો કારખાનાના તાળા તૂટી જશે અને કબ્જો થઇ જશે તેવી ધમકી આપી હતી.

બી-ડિવીઝન પોલીસે આ મામલે મોરબી રોડ રેલ્વે પુલ પાસે સિતારામ પાર્ક મેઇન રોડ પર રહેતાં અને લાતી પ્લોટ-૧૦માં સોૈરાષ્ટ્ર ઓઇલ કંપની નામે ઓઇલનો ધંધો કરતાં શંકરલાલ કલ્યાણજીભાઇ ભાનુશાળી (કચ્છી) (ઉ.૬૨)ની ફરિયાદપ રથી ઇબ્રાહીમ ઉર્ફ કરીમભાઇ કાથરોટીયા, તેના ભાઇ સલિમ ઉર્ફ સલિયો કરિમભાઇ કાથરોટીયા, મહેબુબ ઉર્ફ મેબલો કરિમભાઇ કાથરોટીયા, હમીદ જીકરભાઇ પરમાર તથા સાહિલ ગુલાબભાઇ ઘાંચી સામે આઇપીસી ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંંધ્યો છે.

શંકરલાલ ભાનુશાળીએ જણાવ્યું છે કે ૨૪/૬ના સાંજે સાડા સાતેક વાગ્યે પોતે પોતાના લાતી પ્લોટ-૧૦ના કારખાનાને તાળુ મારી રહ્યા હતાં ત્યારે લાલ રંગની કાર આવી હતી. જેમાંથી ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો, તેનો ભાઇ મહેબુબ ઉર્ફ મેબલો, સલિમ ઉર્ફ સલિયો, હમીદ અને સોહિલ ઉતર્યાહતાં. ઇભલાએ નેફામાંથી છરી કાઢી ડોક પર રાખી દીધી હતી અને કહેલ કે તારું ઓઇલનું ગોડાઉન મને આપી દે નહિતર તારે રૂપિયા આપવા પડશે.

છરી ડોક પર હોઇ શંકરલાલ ગભરાઇ ગયા હતાં. તેણે હાલ પોતાની પાસે પૈસા નથી તેમ જણાવતાં આ શખ્સોએ કહેલ કે ઘણા સમયથી ગોડાઉન ચાલુ છે અને આજ સુધી એકપણ રૂપિયો આપ્યો નથી. હવે જીવતા રહેવું હોય તો કાલ સાંજ સુધીમાં રૂ. ૨૦ હજાર આપવા પડશે નહિતર કારખાનાના તાળા તુટી જશે અને ગોડાઉન અમારું થઇ જશે. તેમ કહી ઇભલો સહિતના ભાગી ગયા હતાં. ભયને કારણે શંકરલાલે કોઇને વાત કરી નહોતી. બીજા દિવસે તેમના ભાઇ કાનજીભાઇ અને ભત્રીજા વિશાલભાઇને જાણ કરતાં પોલીસ ફરિયાદનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે ૨૪મીએ કોૈશલભાઇ વણિકને પણ લાતી પ્લોટ-૧૦માં તેના કારખાને જઇ ઇભલાના ભાઇ સહિતનાએ ફોન પર વાત કરાવી ગોડાઉન આપી દેવા ધમકી દીધી હતી. આ ગુનામાં ઇભલાનો ભાઇ સલિમ ઉર્ફ સલિયો કરીમભાઇ કાથરોટીયા (ઉ.૧૯-રહે. મોરબી રોડ શાળા નં. ૭૭ પાસે), તેના મિત્રો હમિદ જીકરભાઇ પરમાર (ઉ.૨૦-રહે. ભગવતીપરા, ભુમિપ્રસાદ પાછળ) તથા સાહિલ ગુલાબભાઇ વડદરીયા (ઉ.૨૦-રહે. ભગવતીપરા)ને બી-ડિવીઝન પોલીસે પકડી લીધા છે. જેના આજ સાંજ સુધીના રિમાન્ડ છે. પી.આઇ. આર. એસ. ઠાકર અને ડી. સ્ટાફની ટીમ વધુ તપાસ કરે છે. ઉલ્લેખનિય છે કે ઇભલા સામે હત્યાની કોશિષ, આર્મ્સએકટ, મારામારી, ખંડણી ઉઘરાવવી સહિતના ૩૫થી વધુ ગુના અગાઉ નોંધાઇ ચુકયા છે.

(12:40 pm IST)