Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગોકુલનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને કન્ટેન્મેંટ ઝોનમાંથી મુકત કરવા માંગ

ચોથા લોકડાઉન પછી કન્ટેન્મેંટ ક્ષેત્રફળ નાનુ કરવા કલેકટરને રજુઆત

રાજકોટ તા. ૨૮ : કોઠારીયા મેઇન રોડ પર આવેલ ગોકુલનગર ઇન્ડસ્ટ્રીયલ એરીયાને કન્ટેન્મેંટ ઝોનમાંથી મુકત કરવા માઇક્રો અને કુટીર ઉદ્યોગ એસો.ના નેજાતળે કલેકટરને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવેલ છે કે અત્યાર સુધી આ કન્ટેન્મેંટ વિસ્તારના લોકો નિયમોનું ચુસ્ત પાલન કરતા આવ્યા છે. પણ હવે ચોથા લોકડાઉનના સમય પછી કન્ટેન્મેંટ ઝોનનું ક્ષેત્રફળ યોગ્ય તપાસના આધારે નાનુ કરી જે વિસ્તારોમાં જોખમ ન હોય તેવા વિસ્તારોને મુકત કરવા જોઇએ.

કોઠારીયા મેઇન રોડ, ૫૦ ફુટ પરસાણા સોસાયટીની બાજુમાં, મેહુલનગર પાછળ, ભકિતનગર પોલીસ ચોકીની સામે આવતા આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નાના મજુરી કામ કરતા અનેક ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો આવેલ છે. પરંતુ હાલ બધુ ઠપ્પ થઇ જવાથી બેરોજગારીનો પ્રશ્ન સર્જાયો છે.જંગલેશ્વરથી ઘણા વધુ અંતરે આવતો આ ઔદ્યોગિક વિસ્તારમાં એક પણ કોરોના સંક્રમણનો કેસ નોંધાયો નથી. જેથી સત્વરે કન્ટેન્મેંટ ઝોનમાંથી મુકત કરવા રજુઆતના અંતમાં જણાવાયુ છે.

(2:54 pm IST)