Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

હાથની ચોખ્ખાઇનું મહત્વ

હાલમાં ચાલી રહેલા કોવિડ-૨૦૧૯ નામના રોગ સામે વારંવાર હાથ ધોવાથી બચી શકાય છે. તેની સાથે ઘણી બધી બીમારીઓથી પણ બચી શકીએ છીએ તો હાથ શું કામ ધોવા અથવા કઇ રીતે ધોવા તથા કઇ-કઇ બીમારીથી બચી શકાય તે માટે આ લેખમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

દિવસભરના સામાન્ય કામો દરમ્યાન આપણા હાથ, ટેબલ, ખુરશી, બારણા, પેન, પેપર, વાસણો તથા વિવિધ વસ્તુઓના સંપર્કમાં આવતા હોઇએ છીએ. આ બધી જગ્યાઓમાં વિવિધ સુક્ષ્મ જીવાણુઓ જેમ કે વાયરસ, બેકટેરીયા, વિગેરે લાગેલા હોય છે જેનાથી આપણા હાથ ચેપી થતા હોય છે. જયારે હાથ ધોયા વગર ખાવા-પીવાની વસ્તુઓ લેવામાં આવે છે ત્યારે તેઓ શરીરમાં પ્રવેશ કરતા હોય છે. તથા વિવિધ રોગો ઉત્પન્ન કરતા હોય છે.

કયા રોગોથી બચી શકાયઃ

આંતરડાના થતાં રોગો જેમ કે ઝાડા ઉલ્ટી, ફુડપોઇઝનીંગ, મરડો, કૃમિ રોગ વિગેરે થઇ શકે તથા ટાઇફોઇડ કે જેમાં આંતરડામાં અલ્સર થતાં હોય તે પણ થઇ શકે. લીવર પર સોજો આવવો જેને કમળો કહેતા હોઇએ છીએ. શરદી, ઉધરસ, ખાંસી, વિગેરેના જંતુઓ પણ હાથ દ્વારા ફેલાઇ શકે છે. ચામડીના રોગો જેમ કે ગુમડા, ફુગના ચેપ વિગેરે

હાથ કયારે કયારે ધોવાઃ

 કંઇ પણ ખોરાક કે પ્રવાહી લેતા પહેલા, રસોઇ કરતા પહેલા, કુદરતી હાજતે જઇ આવ્યા પછી, સફાઇ કર્યા પછી, દર્દીના સંપર્કમાં આવ્યા પછી, ખાંસી, શરદી, ઉધરસ કે છીંક ખાધા પછી, બાળકોના બાળોતીયા બદલ્યા પછી, બાળકોને ખવડાવતા પહેલા, ખોરાક પીરસતા પહેલા, બહારથી રમીને કે ફરીને આવ્યા પછી, લાગેલા ઘા ઉપર સફાઇ કર્યા પછી કે ડ્રેસીંગ કર્યા પછી, કોઇપણ કારણસર હાથ બગડયા હોય તો તુરંત સાફ કરી નાંખવા.

હાથ ધોવાની રીત

હાથમાં જંતુઓ, મેલ, હાથની કરચલીમાં, ટેરવામાં, નખના ખાંચામાં, આંગળા વચ્ચેના ખાંચામાં વધારે જોવા મળે છે. ફકત પાણીથી હાથ ધોવાથી હાથમાં રહેલા પરસેવાનો તૈલીભાગ તથા મેલમાં રહેલા તૈલી પદાર્થ કે જમાં વધારે પ્રમાણમાં જંતુઓ હોય છે. તે સાફ થતાં નથી. સાબુમાં રહેલા ડીર્ટજન્ટને કારણે ચામડીના તૈલી પદાર્થો સરખી રીતે સાફ થતા હોય છે માટે વહેતા પાણી અને સાબુથી ૩૦ સેકન્ડ સુધી હાથ સરખી રીતે ધોવા જરૂરી છે. જેમાં બંને હથેળીઓ, હથેળીનો પાછળનો ભાગ, આંગળાની વચ્ચેનો ભાગ, નખના ખાંચાનો ભાગ તથા દરેક ભાગને સરખી રીતે સાબુથી ઘસી અને વહેતા પાણીમાં ૩૦ સેકન્ડ સુધી ધોવા જરૂરી છે.

ડો.મેહુલ એમ. મિત્રા

'અનિમેષ' કોટેચા ચોક રાજકોટ

ફોન નં.૦૨૮૧-૨૪૪૭૧૨૭

(2:50 pm IST)