Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સગીર પુત્રી અને પરિણિતાને ભરણ પોષણ પેટે માસીક ૪૦૦૦ ચુકવવા હુકમ

રાજકોટ તા.૨૮: રાજકોટની ફેમેલી પ્રિન્સીપલ કોર્ટ સમક્ષ ભરણપોષણ મેળવવા માટેની અરજીમાં કેસ શરૂ થયા પહેલા પરિણિતા તથા તેની સગીર પુત્રીને વચગાળાનું ભરણ પોષણ ચુકવવાનો ફેમેલી કોર્ટએ હુકમ ફરમાવેલ હતો.

અહીંના રાજકોટ મુકામે સંત કબીર રોડ, મેહુલનગર વિસ્તારમાં રહેતી પરણિતા હેતલબેનના લગ્ન વાંકાનેર મુકામે દિવાનપરા, રામજી મંદિર પાસે રહેતા જીજ્ઞેશભાઇ ચંદુભાઇ દેથરીયા સાથે વર્ષ ૨૦૧૧ માં થયેલ હતા અને પછી પતિ દ્વારા તેમની પત્ની પર માનસિક અને શારિરીક દુઃખ ત્રાસ ગુજારવામાં આવતો હતો તેમજ પરણિતાએ સંતાનમાં બે પુત્રીઓને જન્મ આપેલ હોય, જેથી પરિવારજનો દ્વારા મેણાં ટોણાં મારી મનફાવે તેવું વર્તન કરવામાં આવતું હતું અને સતત ગાળો આપીને અપમાનિત કરતા હતા.

ત્યારબાદ પરણિતા વધુ દુઃખ ત્રાસ સહન કરી શકે તેમ ન હોય જેથી પોતાના પિયરે સગીર પુત્રીને સાથે લઇને પરત ફરેલ હતી અને તેમજ પરણિતા પાસે કોઇ આવકનું સાધન ન હોઇ અને સગીર પુત્રીની પણ જવાબદારી તેમની પર હોય જેથી પરણિતા અરજદાર બની ફેમેલી કોર્ટમાંથી પતિ પાસેથી ભરણ પોષણની રકમની માંગ કરતી અરજી કરેલ હતી અને મુળ અરજી સાથે કેસ શરૂ થયા પહેલા પતિ પાસેથી વચગાળામાં ભરણપોષણની માંગ કરતી અરજી કરેલ હતી.

કોર્ટ આ વચગાળાની અરજી ચાલવા પર આવતા પરણિતાના વકીલ અજય એમ.ચૌહાણની દલીલોને ધ્યાને લઇને પત્નીને કેસ ચાલે તે સમય દરમિયાન વચગાળામાં અરજીની દાખલ તારીખથી એટલે કે તા.૧-૧૧-૨૦૧૮ થી માસિક સગીર પુત્રીને રૂ.૧,૫૦૦ તથા અરજદારને રૂ.૨,૫૦૦ લેખે કુલ મળીને રકમ રૂ.૪૦૦૦ ભરણપોષણ પેટે ચુકવવાનો હુકમ કરેલ છે અને કેસની નવી તારીખ મુકરર કરેલ છે અને આ રકમ અરજીની તારીખથી મળતા અરજદારને કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી રૂ.૨૪,૦૦૦ ની ભરણપોષણની રકમ વસુલવા હકકદાર બનેલ છે જેનાથી પરિણતાને રાહતનો દમ લીધેલ છે.

ઉપરોકત કેસમાં અજરદાર તરફે ધારાશાસ્ત્રી અજય એમ.ચૌહાણ, તથા ડેનિશ જે.મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.

(3:52 pm IST)