Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગ્રીષ્મ પારાયણની પૂર્ણાહુતી : હજારો ભાવિકોએ લાભ લીધો

રાજકોટ : સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્યગ્રંથ વચનામૃત જે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલો ગ્રંથ છે. તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વર્ષ વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સવ હેઠળ વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે અહીંના કાલાવડ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 'વચનામૃત સંગે જીવન જીવીએ ઉમંગે' થીમ હેઠળ ગ્રીષ્મ પારાયણનું આયોજન થયુ હતુ. પારાયણમાં બી.એ.પી.એસ. ના વિદ્વાન સંતો દ્વારા જીવનમાં ઉદ્દભવતા પ્રશ્નોનું સમાધાન વચનામૃત દ્વારા કઇ રીતે પ્રાપ્ત થાય છે તે અંગે માર્ગદર્શન અપાયુ હતુ. દરરોજ કુલ ૭ હજારથી વધુ ભાવિક ભકતોએ લાભ લીધો હતો. મંદિર પરીસરમાં જ વિવિધ વચનામૃત કુટીરો ઉભી કરાઇ હતી. કુટીરોની વચ્ચે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને દરરોજ વિશિષ્ટ વસ્ત્રો આભુષણોનો શણગાર કરી દર્શન ખુલ્લા મુકાતા હતા.  પારાયણ દરમિયાન નિબંધ, ચિત્ર જેવી વિવિધ સ્પર્ધાઓ પણ રાખવામાં આવી હતી. દરરોજ જનજાગૃતિરૂપે પાણી બચાવો, ટ્રાફીક જાળવો, સ્વચ્છતા અભિયાન સહીતના મુદ્દે જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી. આમ સમગ્ર પારાયણ દરમિયાન બહોળી સંખ્યામાં ભકતોએ અધ્યાત્મની સફર કરી હતી.

(3:50 pm IST)