Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

દ્રઢ સંકલ્પ કરવાથી ગમે તેવુ કપરૂ કામ પણ પાર પડી જાય છેઃ શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ :: બાજ મહાકુંભનો ભવ્યાતિભવ્ય પ્રારંભ

રાજકોટઃ. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર દ્વારા ક્ષીરજાંબા ધામ, ગોપાલ ચોક, દોઢસો ફૂટ રીંગ રોડ, એચ.પી. પેટ્રોલ પમ્પ સામે આજથી બાજ મહાકુંભનો પ્રારંભ થયો છે. રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટના વ્યાસાસને આયોજીત શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહની પોથીયાત્રા વાજતેગાજતે નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. પ્રારંભે પોથીજીનું પૂજન યજમાનો દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ કથાકાર શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટે જણાવ્યુ હતુ કે દેહ પડી જાય તો મંજુર છે પરંતુ આ ધર્મ કાર્ય સફળ થવું જોઈએ તેવો દ્રઢ સંકલ્પ કરવામાં આવે તો ગમે તેવા કાર્યો પણ સફળ થઈ જાય છે. આ કાર્ય કેમ કરવું ? તેના કરતા આ કાર્યને કેમ સફળ કરવું ? તે દિશામાં આગળ વધવુ જોઈએ. દરરોજ સવારે ૯ થી ૧ દરમિયાન શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ કથાનુ રસપાન કરાવશે. જ્યારે આજે પ્રથમ દિવસે બપોરે ૩ થી ૬.૩૦ સુધી કથા સ્થળે લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓ માટે પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. દરરોજ બપોરે કથા વિરામ બાદ જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર જહેમત ઉઠાવે છે.

રાત્રે કૌશિકભાઈ દવે-પંકજભાઈ દવે 'દવે બંધુઓ' લોકડાયરાની રમઝટ બોલાવશે

રાજકોટઃ બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર આયોજીત બાજ મહાકુંભના પ્રથમ દિવસે આજે રાત્રીના ૮ વાગ્યાથી લોક સાહિત્યકાર-હાસ્ય કલાકાર કૌશિકભાઈ દવે અને પંકજભાઈ દવે (ચિત્તલ-અમદાવાદ) 'દવે બંધુઓ' લોકડાયરાની રમઝટ બોલાવશે. જ્ઞાતિજનો તથા સાહિત્યરસીકોને લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

(3:49 pm IST)