Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

શહેરની શાળા-કોલેજો સહિતના એક પણ બિલ્ડીંગોમાં ફેબ્રીકેશન ડોમના બાંધકામો નહીં ચાલેઃ તોડી પડાશે

પ્રિ-મોન્સુન એકશન પ્લાનની કામગીરી બાબતે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે યોજેલી બેઠકમાં અધિકારીઓને કડક સૂચના

પ્રિ-મોન્સુન ડિઝાસ્ટર કામગીરી અંતર્ગત મ્યુ. કોર્પોરેશનના સ્ટે. ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને ડે. કમિશ્નર, સીટી ઈજનેરો, અધિકારીઓ તથા વિવિધ સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ તે વખતની તસ્વીર નજરે પડે છે(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૮ :. આગામી ચોમાસા દરમ્યાન નગરજનોને મુશ્કેલી ન પડે તે હેતુથી પ્રી મોન્સુન કામગીરી માટે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરની શાળા-કોલેજો સહિતના એક પણ બિલ્ડીંગોમાં ફેબ્રીકેશન ડોમના બાંધકામો તોડવા તથા પ્રિ-મોન્સુન એકશન પ્લાનની કામગીરી બાબતે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ફાયર સાધનો વિનાના સ્કૂલ-કલાસીસ સંચાલકોને નોટીસ નહિ પણ બંધ કરવા તથા ફેબ્રીકેશન ડોમના બાંધકામો તુરંત જ દૂર કરવા સૂચના આપી હતી.

આ અંગે માહિતી આપતા ચેરમેનશ્રીએ જણાવ્યુ હતુ કે, બાંધકામ શાખાના અધિકારીઓને તા.૩૧ મે પછી ખોદાણ મંજૂરી બંધ કરાવવા તેમજ જયાં કામગીરી પૂર્ણ થયેલ છે ત્યાં મેટલીંગ-મોરમની કામગીરી તા.૧૫ જૂન સુધીમાં પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પરના ખાડા પુરવા અને ડામર પેચ વર્ક કરવા તેમજ ડામર કર્યાની સાથોસાથ ડ્રેનેજના ઢાકણા ઉંચા ઉપાડવા જાણ કરવામાં આવેલ છે. શહેરના જુના ગામતળમાં ભયગ્રસ્ત મકાનોનો સર્વે કરી જરૂરતે ઈમલો પાડવા જણાવવામાં આવેલ છે.

શહેરના ન્યુસન્સ પોઈન્ટ પર માણસો મુકવા તેમજ સદર-ગવલીવાડ વોંકળા, સદર તાલુકા શાળા, કેનાલ રોડ, પોપટપરા સહીતના તમામ વોકળાની દ્યનિષ્ઠ સફાઈ કરાવવા અને સાંઢિયા પુલ પાસેના વોંકળામાં ડ્રેનેજનું પાણી વોકળામાં જાય છે જે યોગ્ય માર્ગે નિકાલ કરવા સુચના આપવામાં આવેલ છે. શહેરના ખુલ્લા પ્લોટોમાં ખુબ જ ગંદકી થતી હોય તેની સફાઈ તુરંત હાથ ધરવા અને વન ડે થ્રી વોર્ડ સફાઈ ઝુંબેશ શરુ કરવા જણાવવામાં આવેલ છે.

લોકોમાં મેલેરિયા અંગે જાગૃતિ લાવવા, દવાનો પુરતો જથ્થો, આશા વર્કરોને મેલેરીયાની કામગીરીની ટ્રેનીંગ આપવા, એન્ટી મેલેરિયા દવા, ફોગીંગ મશીન સ્ટેન્ડ ટુ રાખવા, શહેરમાં રહેણાક, કોમર્શિયલ વિગેરે વિસ્તારમાં સર્વે કારવાઈ પત્રિકા વિતરણ કરવા, પાણીના ટાંકામાં દવા છંટકાવ કરવા, ડોર ટુ ડોર ચેકિંગ કરવા આરોગ્ય શાખાના અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.

શહેરના હોર્ડિંગ બોર્ડ સર્વે કરવા, વાવાઝોડામાં તૂટી પડે તેવા બોર્ડ દુર કરવા, હોર્ડિંગ બોર્ડની સ્ટ્રકચર સ્ટેબીલીટી ચકાસવા, નિયમ વિરુદ્ઘ બોર્ડ દુર કરવા એસ્ટેટ શાખાના અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવેલ છે. તેમજ શહેરના ડ્રેનેજ લાઈનના તમામ મેનહોલ સાફ કરવા, સફાઈ બાદ તુરંત ગાર્બેજ ઉપાડવા ડ્રેનેજ શાખાના અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે. તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના અધિકારીઓને તમામ વાહનો, મશીનરી સ્ટેન્ડ ટુ રાખવા ડીવોટરીંગ પંપ તૈયાર રાખવા સુચના આપવામાં આવેલ છે.

આજની આ મીટીંગમાં બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, અગ્નિશામક દલ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ તેમજ  ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણી, સિટી એન્જીનીયર સીટી એન્જી ચિરાગ પંડ્યા, દોઢિયા તથા ગોહેલ, પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, નાયબ આરોગ્ય અધિકારી ડો. વિસાણી, ચુનારા, ચીફ ફાયર ઓફિસર ઠેબા, ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠીયા,  આસી. મેનેજર કાથરોટીયા વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:30 pm IST)