Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ભાજપ અવિશ્વાસ દરખાસ્ત મૂકે તે પહેલા સામાન્ય સભાનો (૧૯ જુને) એજન્ડા પ્રસિધ્ધ

પંચાયતમાં બેય પક્ષના ૧૮-૧૮ સભ્યો થઇ ગયા બાદ પ્રથમ વખત બોર્ડ બેઠક

રાજકોટ, તા. ૨૮ :. જિલ્લા પંચાયતમાં ૧૯ જૂને સવારે ૧૧ વાગ્યે સામાન્ય સભા યોજવા માટે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાએ વિકાસ અધિકારીને નોંધ મોકલી છે. આજે સાંજ સુધીમાં વિધિવત એજન્ડા બહાર પડી જાય તેવા નિર્દેશ છે. પંચાયતમાં કોંગ્રેસના વિભાજન પછી શાસક અને વિપક્ષની સંખ્યા સરખી (૧૮ - ૧૮) થઈ ગઈ છે. ત્યાર બાદ પ્રથમ વખત સામાન્ય સભા આવી રહી છે. જેમાં બળાબળના પારખા થઈ શકે છે.

જિલ્લા પંચાયતમાં ગયા જુલાઈથી બે જુથો વચ્ચે લડાઈ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું એક જુથ ભાજપમાં જોડાઈ ગયેલ. સંખ્યાની રીતે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પાસે સરખુ સંખ્યા બળ છે. ભાજપ અવિશ્વાસ દરખાસ્ત મુકવાની હિલચાલ કરે છે. તેના માટે ખૂટતા ૬ સભ્યોનો મેળ કરવા મથામણ થઈ રહી છે. આચાર સંહિતા પુરી થતા ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકે તે પૂર્વે જ પ્રમુખે આજે અચાનક ૧૯ જૂને સામાન્ય સભા બોલાવવા આદેશ કર્યો છે. સામાન્ય સભાનો એજન્ડા બહાર પડી ગયા પછી અવિશ્વાસ દરખાસ્ત માટે તે પૂર્વે બોર્ડ બોલાવી શકાય નહિ કે દરખાસ્ત રજૂ કરી શકાય નહી તેવું પંચાયતના વર્તુળોનું કહેવુ છે. પ્રમુખની સહમતી વિના અવિશ્વાસ દરખાસ્તનો મુદ્દો ૧૯મીની બેઠકના એજન્ડામાં પણ સમાવેશ ન થઈ શકે. ભાજપે અવિશ્વાસ દરખાસ્ત મુકવા માટે હવે ૧૯ જૂન પછીનું મુહુર્ત કાઢવુ પડશે. અવિશ્વાસ દરખાસ્ત આવે તો તેના માટે નવેસરથી સામાન્ય સભા બોલાવવાની થશે.

જિલ્લા પંચાયતમાં ફરી રાજકીય ગરમાવાના એંધાણ છે. ૧૯મીની સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ બાબતે ઠરાવ કરવાનો થશે તો શાસક પક્ષની કસોટી થઈ જશે. પ્રમુખે પોતે પણ પોતાના નિર્ણાયક મતનો ઉપયોગ કરવો પડે તો નવાઈ નહિ. ૧૯ જૂને હાલના પ્રમુખ-ઉપપ્રમુખના કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યુ છે. પંચાયતના રાજકીય ભવિષ્ય બાબતે ધગધગતી આગાહી થઈ રહી છે.

(3:29 pm IST)