Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ડોર ટુ ડોર સર્વેમાં શિક્ષકોની સલામતી જોખમમાં

બીપીએલ, એપીએલ-૧ કાર્ડધારકોના ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરાવવા માટે માહિતી એકત્રીત કરવા મામલતદાર કચેરી તરફથી આદેશ છૂટતા જુદા જુદા વિસ્તારોમાં મહામારીના સમયે સર્વે કરવા દોડતા શિક્ષકોઃ લોકોના સંપર્કમાં આવવાથી કોરોનાની મહામારી વધુ પ્રસરવાનો ભય : દરરોજ સવાર-સાંજ મામલતદાર ઓફિસ ઉપર મોટી સંખ્યામાં કર્મચારી એકત્રીત થતા હોવાથી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગઃ પીપીઈ કીટ ફાળવવા તથા માસ્ક અને સેનીટાઈઝરની સુવિધા આપવા માંગઃ ડીબીટીનું કાર્ય ૨૦ દિવસ ચાલશેઃ શિક્ષકોને ન્યાય આપવા માંગણી

તસ્વીરમાં મામલતદાર કચેરીએ ઉમટી પડેલ શિક્ષકો અને શિક્ષિકાઓ નજરે પડે છે

રાજકોટ, તા. ૨૮ :. કોરોના વાયરસના કારણે મહામારી પ્રસરી રહી છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં શિક્ષકોને ડીબીટી (બીપીએલ, એપીએલ-૧ રેશનકાર્ડ ધારકો)ના ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરવા માટે ડોર ટુ ડોર સર્વે માટે કામગીરી સોંપવામાં આવી છે. જેના કારણે શિક્ષકો અને શિક્ષિકાઓમાં ભારે રોષ ફેલાયો છે.

કલેકટર કચેરી પુરવઠા શાખાના પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના એનએફએસએ હેઠળના એએવાય તથા અગ્રતા ધરાવતા કુટુંબો તથા નોનએનએફએસએ બીપીએલ કુટુંબોને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ પ્રતિ કુટુંબને રૂ. ૧૦૦૦ જે તે લાભાર્થીના બેન્ક ખાતામાં ડીબીટી મારફત જમા કરાવવા અંગે સૂચના આપવામાં આવી છે.

જેથી શહેરી વિસ્તારમાં આવેલા ૧ થી ૪ ઝોનલ કચેરીઓ માટે સરકારી શ્રી કક્ષાએથી મોકલવામાં આવેલ માહિતી મુજબ વ્યાજબી ભાવની દુકાનવાઈઝ જે કુટુંબના મુખ્ય વ્યકિતના બેન્ક એકાઉન્ટ તથા આધારકાર્ડ, રેશનકાર્ડ સાથે લીન્ક થયેલ નથી તે કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી શિક્ષકો અને શિક્ષિકાઓને પૂર્ણ કરવા સોંપવામાં આવી છે.જેથી રાજકોટ મામલતદારશ્રી, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ કચેરી મારફત ઝોનલ ૧ થી ૪માં ૨૫૦ શિક્ષકો અને શિક્ષિકાઓને આ કામગીરી સોંપવામાં આવી છે. જેના કારણે દરરોજ સવારે અને સાંજે આ શિક્ષકોને મામલતદાર કચેરીએ ફરજ પર હાજર થવુ પડે છે ત્યાર બાદ ત્યાંથી સૂચના મુજબ જે તે વિસ્તારમાં સર્વે માટે જવાનો આદેશ કરવામાં આવે છે.

દરરોજ સવાર-સાંજ મામલતદાર ઓફિસે મોટી સંખ્યામાં શિક્ષકો અને ફરજ ઉપર રોકાયેલા કર્મચારીઓને એકત્રીત કરવામાં આવતા સોશ્યલ ડીસ્ટન્સ બિલકુલ જળવાતુ નથી. આ ઉપરાંત ફરજ ઉપરના કર્મચારીઓને માસ્ક કે સેનેટાઈઝર પણ આપવામાં આવતુ નથી.

આ ડીબીટીનુ કાર્ય ૧૫ થી ૨૦ દિવસ સુધી ચાલશે તેવુ મામલતદાર ઓફિસ તરફથી જણાવાયુ છે જેથી મહામારીના આવા કપરા સંજોગોમાં શિક્ષકોને જુદા જુદા વિસ્તારોમાં જીવના જોખમે જઈને માહિતી એકત્રીત કરવાની હોય છે.

ત્યારે આવા કર્મચારીઓ કોરોના મહામારીના વાયરસમાં સંક્રમિત થશે તો તેઓ ભય પણ શિક્ષકોમાં ફેલાયો છે. આવા સંજોગોમાં ફરજ પર હાજર શિક્ષકોને ન્યાય આપવો જોઈએ તેમજ પીપીઈ કીટ સાથે પોલીસ રક્ષણ પણ આપવુ જોઈએ અથવા તો ઘરે અથવા તો ઓફિસે બેસીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવી માહિતી એકત્ર કરવામાં આવે તો આવા શિક્ષકો અને શિક્ષિકાઓ કોરોના જેવી મહામારીથી બચી શકે તેમ છે.

ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં શિક્ષકો અને શિક્ષિકાઓ પણ ફરજ પર છે. એક તરફ સરકાર દ્વારા એવુ કહેવામા આવે છે કે ઘરે રહો અને બીજી તરફ ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપવામા આવી છે જેથી ભારે રોષ ફેલાયો છે.

(3:43 pm IST)