Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રાજકોટમાં ઝાડા-ઉલ્‍ટીના કેસમાં જબરો વધારોઃ રોજના ૩૦૦ ઉપર દર્દીઓ!

છેલ્લા આઠ-દસ દિવસો દરમિયાન : વેધર ચેન્‍જ થતાં એકાએક ગરમી શરૂ થઇ ગઇઃ ટાઇફોઇડના પણ રોજના પ૦ કેસ નોંધાઇ રહ્યા છે : બાળકોમાં વાઇરલ ઇન્‍ફેકશનરૂપે તાવ અને ગળાની તકલીફ જોવા મળી રહી છે : મોટી ઉંમરના લોકોમાં ડાયેરીયાને કારણે હૃદય, મગજ કે કીડની ઉપર પણ ગંભીર અસર થઇ શકે છેઃ તકેદારી ખૂબ જરૂરી

રાજકોટ તા.૨૮: ગ્‍લોબલ વોર્મિંગ (પૃથ્‍વી ઉપર વધતું જતું તાપમાન)ઓઝોન સ્‍તરમાં થતો ઘટાડો વિગેરે પરિબળોને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્‍યારે છેલ્લા આઠ-દસ દિવસો દરમ્‍યાન સીઝન પલટાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. વેધર ચેન્‍જના ભાગરૂપે એકાએક ગરમી શરૂ થઇ ગઇ છે, જેને કારણે રાજકોટમાં બાળકો તથા પુખ્‍તવયના લોકોમાં ઝાડા-ઉલ્‍ટીના કેસમાં જબરો વધારો થયો હોવાનું જાણવા મળે છે. રાજકોટથી સિવિલ હોસ્‍પિટલમાં તથા વિવિધ પ્રાઇવેટ-ટ્રસ્‍ટની હોસ્‍પિટલોમાં હાલમાં રોજ અંદાજે ૩૦૦ ઉપર ઝાડા-ઉલ્‍ટીના કેસો આવી રહયાનું અગ્રણી ડોકટર્સ જણાવી રહયા છે. સાથે-સાથે ટાઇફોઇડના કેસો પણ છેલ્‍લા અઠવાડીયામાં વધ્‍યા હોવાનું પંચનાથ હોસ્‍પિટલ, રાજકોટના જાણીતા ફીઝીશ્‍યન ડો.ગોૈરાંગભાઇ પટેલે અકિલાને જણાવ્‍યું હતું.

ઠંડીમાંથી અચાનક ગરમી શરૂ થઇ જાય ત્‍યારે ઝાડા-ઉલ્‍ટી થઇ શકે છે. સાથે-સાથે પેશન્‍ટને ટાઇફોઇડ હોય ત્‍યારે પણ તેના જંતુઓને કારણે ડાયેરીયા થઇ શકે છે. ટાઇફોઇડના જંતુઓ આંતરડામાં હોય એટલે તે પાણી, વિટામીન્‍સ વિગેરેને આંતરડામાં પુરતા પ્રમાણમાં એબ્‍સોર્બ (ભળવા ન દે) ન થવા દે પરિણામે ડાયેરીયા થતાં હોય છે. ઘણા એરીયા-વિસતારોમાં કોઇક વખત ચોખ્‍ખું પાણી ન આપતા તેમાં સુક્ષ્મ જીવજંતુઓ પણ મળી આવતા હોય છે. પરિણામે ઝાડા-ઉલ્‍ટીના કેસો જોવા મળી શકે છે.

અંદાજે ૫૫ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ડાયેરીયા કોઇક વખત જોખમ પણ ઉભુ કરી દેતા હોવાનું ડોકટર્સ કહી રહયા છે. ડાયેરીયા(ઝાડા)ને કારણે ઘણી વખત શરીરમાં પોટેશ્‍યમ ઘટવા લાગે છે. જેને કારણે હાર્ટબ્‍લોક(દય ની તકલીફ) થવાની સંભાવના રહે છે. ઉપરાંત ડાયેરીયાને કારણે શરીરમાં સોડીયમ ઓછું થઇ જતાં દર્દીના મગજ ઉપર પણ અસર થાય છે અને કયારેક ‘કોમા' જેવી પરિસ્‍થિતી ઉભી થઇ શકે તેવું પણ ડો.ગોૈરાંગભાઇ પટેલ જણાવી રહયા છે. ડાયેરીયાને કારણે પાણી ઘટી જવાથી કોઇક વખત કીડની ઉપર પણ સોજો આવી શકે છે, જેથી ઝાડા-ઉલ્‍ટી વખતે પુરતી તકેદારી રાખવી ખુબ જરૂરી છે.

મોટેરાઓની સાથે-સાથે છેલ્‍લાં અઠવાડીયામાં બાળકોમાં પણ ઝાડા-ઉલ્‍ટી, વાયરલ તાવ, ગળાનું ઇન્‍ફેકશન જેવા કેસો વધી રહયાનું રાજકોટના જાણીતા પેડીયાટ્રીશ્‍યન ડો.સમીરભાઇ ઠકરારે અકિલાને જણાવ્‍યું હતું. સામાન્‍ય રીતે શિયાળાની શરૂઆતમાં અને શિયાળાનાં અંતમાં સીઝન ટ્રાન્‍સફોર્મેશનને કારણે ઉપરોકત બિમારીઓ જોવા મળતી હોવાનું ડો.સમીરભાઇ ઠકરારે જણાવ્‍યું હતું. જનરલી વાઇરલ ઇન્‍ફેકશનમાં પહેલા વોમીટીંગ (ઉલ્‍ટી) થાય છે અને ત્‍યારબાદ ડાયેરીયા સ્‍ટાર્ટ થતાં હોય છે. જો જરાપણ આવા લક્ષણો દેખાય તો તુરતજ ડોકટરનો સંપર્ક કરવો હિતાવહ છે. ડાયેરીયા વખતે ડોકટરને પુછીને (ઓ.આર.એસ.) કે ઇલેકટ્રલ પાવડર લઇ શકાય છે. ડોકટરની સલાહ વગર એકપણ દવા લેવી હિતાવહ નથી.

 

ઝાડા-ઉલ્‍ટી ન થાય તે માટે શું કરી શકાય?

- પાણીને ઉકાળીને ઠરવા દેવું અને ત્‍યારબાદ પીવાના ઉપયોગમાં લેવું. આર.ઓ.ના પાણીને પણ ઉકાળી શકાય છે.

- જમતા પહેલા સરખી રીતે સાબુથી કે હેન્‍ડવોશથી હાથ ધોવા

- બની શકે તો ગરમીમાં બહારનો ખોરાક લેવાનું ટાળવું જોઇએ.

- ઘરનો ખોરાક લેવો તથા જમવાનું ઢાંકીને રાખવું, ઉપરાંત ફ્રેશ ફુડ લેવું હિતાવહ છે.

- ગરમીમાં પાણી વધારે પીવાનું રાખવું.

ઝાડા-ઉલ્‍ટી થાય તો શું તકેદારી રાખવી?

- હળવો ખોરાક લેવો

- ભાત, ખીચડી, બાફેલા મગ વિગેરે લેવા

- દહીં-છાસનું જોર વધારે રાખવું

- ફ્રુટ, આઇસ્‍ક્રીમ, કોફી, દાડમ પણ તબિયતને માફક આવે તેરીતે લેવા

- થોડા-થોડા સમયે ઓછો-ઓછો ખોરાક લેવો

- ખાંડ-મીઠું મીકસ કરીને લીંબુ પાણી સતત ચાલુ રાખવું. ૫૫ વર્ષથી ઉપરના લોકોને જેટલી વાર ડાયેરીયા જવું પડે કે તુરત જ લીંબુ પાણી પીવું હિતાવહ છે, કે જેથી શરીરમાં પાણી ઓછું ન થાય.

- ડોકટરનો સંપર્ક કરી તેની સલાહ મુજબ સારવાર લેવી.

(3:34 pm IST)