Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ઓડીસ્‍સામાં ૧૦ વર્ષની બાળાનું બળાત્‍કારના ઇરાદે અપહરણ કરી હત્‍યા કરી ભાગેલો આરોપી રાજકોટમાં ઝડપાઇ ગયો

ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી યુવરાજનગરમાંથી મુળ બિહારના હરીશરામને દબોચી લીધો :ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલને મળેલી માહિતી પરથી એસીપી બી. બી. બસીયા, પીઆઇ એમ.આર. ગોંડલીયાની ટીમના પીએસઆઇ એ.એસ. ગરચર, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, અશ્વિનભાઇ, હરપાલસિંહ સહિતે દબોચી લીધો

રાજકોટ તા. ૨૮: અમુક શાતીર ગુનેગારો ગંભીર પ્રકારના ગુના આચરી ફરાર થઇ જતાં હોય છે. પોતાને પોલીસ પકડી નહિ શકે તેવું તેને લાગતું હોય છે. પરંતુ પોલીસ ધારે તો આવા ગુનેગારોને ગમે ત્‍યાંથી શોધી કાઢતી હોય છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે આવા જ એક મુળ બિહારના રહેવાસી એવા ગુનેગારને દબોચી લીધો છે. આ શખ્‍સ ઓડીસ્‍સા રાજ્‍યમાં રહી મજૂરી કરતો હોઇ થોડા દિવસ પહેલા જ ત્‍યાંના રાયગઢ વિસ્‍તારમાં ૧૦ વર્ષની એક બાળાનું બળાત્‍કારના ઇરાદે અપહરણ કરી બાદમાં તેની ગળુ દાબી ક્રુરતાથી પતાવી દીધી હતી અને રાજકોટ ભાગી આવ્‍યો હતો. ત્‍યાંની પોલીસ તરફથી મળેલી પ્રાથમિક માહિતીને આધારે શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે આ બળાત્‍કારી હત્‍યારાને આજીડેમ ચોકડી પાસેથી દબોચી ઓડીસ્‍સા પોલીસને સોંપી દીધો છે.

અલગ અલગ શહેરો ગામોમાં ગંભીર ગુનાઓને અંજામ આપી અમુક ગુનેગારો ભાગી નીકળતાં હોય છે અને બીજા રાજ્‍યમાં મજુરી કામમાં જોતરાઇ જતાં હોય છે. આવા ગુનેગારોને શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા સુચના મળી હોઇ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી. બી. બસીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એસ. ગરચર અને તેની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ચોક્કસ બાતમી મળી હતી કે ઓડીસ્‍સાના રાયગઢમાં ગંભીર પ્રકારનો ગુનો આચરી એક આરોપી આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં છુપાયો છે. આ શખ્‍સ વિરૂધ્‍ધ ૧૦ વર્ષની બાળાનું અપહરણ કરી હત્‍યા નિપજાવવાનો ગુનો ઓડીસ્‍સાના મુનીગુડા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયો હતો.

ટીમે તપાસ કરતાં હરિશરામ રાજેશરામ  રામ (ઉ.વ.૨૪) નામનો આ આરોપી આજીડેમ ચોકડી નજીક યુવરાજ નગરમાંથી પકડાઇ ગયો હતો. તે દસ વર્ષની બાળાનું અપહરણ કરી તેની ગળાટુંપો દઇ હત્‍યા કરી રાજકોટ ભાગી આવ્‍યો હતો. અહિ તેનો ભાઇ રહેતો ત્‍યાં આવી ગયો હતો અને મજૂરીએ વળગી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે બાળાનું અપહરણ બળાત્‍કારના ઇરાદે કર્યુ હતું. જેમાં સફળ ન થતાં ગળાટુંપો દઇં હત્‍યા કરી ભાગી નીકળ્‍યાનું ખુલ્‍યું હતું. ઓડીસ્‍સા પોલીસ આ આરોપીનો કબ્‍જો લઇ ગઇ છે.

આ આરોપીને શોધી કાઢવાની કામગીરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયાની સુચના અનુસાર પીએસઆઇ એ. એસ. ગરચર, હેડકોન્‍સ. અનિલભાઇ સોનારા, કોન્‍સ. મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, અશ્વિનભાઇ પંપાણીયાની ટીમે કરી હતી.

(3:34 pm IST)