Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રવિવારે માનસિક વિકલાંગ બાળકો માટે ફનફેર

સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેન્જડ દ્વારા આયોજન : ૧૨ ફૂડ સ્ટોલમાં વિવિધ વાનગીઓ, રમકડા- વિવિધ રાઈડસની પણ બાળકો મજા માણશે

રાજકોટ,તા.૨૮: સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેન્જડ દ્વારા ફનફેરનો એક નવતર પ્રયોગ આગામી તા.૧ માર્ચ રવિવારે સાંજે ૪:૩૦ થી ૯ સુધી જૈન બાલાશ્રમ, લોધાવાડ પોલીસ ચોકીની સામે, ૮, રજપુતપરા, રાજકોટ ખાતે યોજાએલ છે.

સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેન્જડ છેલ્લા ૭ વર્ષથી આ બાળકોની વોકશનલ ટ્રેઈનીંગ માટે કાર્યરત છે અને આ સેન્ટર નિઃશુલ્ક કાર્ય કરતું હોવાનું યાદીમાં જણાવાયું છે. સેતુનો મુખ્ય હેતુ મેન્ટલી એન્ડ ફીઝીકલી ચેલેન્જડ બાળકોને વોકેશનલ ટ્રેઈનીંગ આપીને તેમને પગભર કરવાનો છે અને સમાજનાં સહયોગથી સેતુને આ કાર્યમાં સફળતા મળી છે. સેતુમાં આવતા બાળકોએ વિવિધ પ્રોજેકટ પર કામ કરીને સમાજમાં પોતાનું આગવુ સ્થાન બનાવ્યું છે.

આ સાત વર્ષ દરમિયાન રાજકોટનાં મેન્ટલી એન્ડ ફીઝીકલી ચેલેન્જડ બાળકો માટે સેતુ દ્વારા સમર કેમ્પ અને નવરાત્રીની ઈવેન્ટનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટનાં ઘણાં બાળકોએ ભાગ લીધો હતો. છેલ્લા પાંચ વર્ષથી સેતુ દ્વારા મેન્ટલી એન્ડ ફીઝીકલી ચેલેન્જડ બાળકો માટે ફનફેરનું આયોજન કરવામાં આવે છે. આ વખતે એક અનોખા પ્રયોગ દ્વારા ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે. વોકેશનલ ટ્રેઈનીંગના વિવિધ પ્રોજેકટમાંનો એક પ્રોજેકટ એટલે આ વખતનો સેતુનો ફનફેર.

ફનફેરમાં યોજાયેલ વિવિધ ફુડ સ્ટોલનું સંચાલન આવા બાળકો અને તેના વાલીઓ દ્વારા કરવામાં આવશે. ૧૨ ફૂડ સ્ટોલમાં ૨૨ જેટલી વિવિધ ફુડ આઈટમ રાખવામાં આવેલી છે. દરેક આઈટમ વાલીઓ દ્વારા ઘરે જ બનાવવામાં આવી હશે. જેમાં બાસ્કેટ ચાટ, પાણીપુરી, મેગી, દહીંવડા, ભેળ, વિવિધ જાતના મફીન્સ, ક્રીમ રોલ, ગરમ ખીચુ, ભેળ, ઈડલી સાંભાર, પૌઆ ચાટ,આમલા શરબત, વેજીટેબલ સેન્ડવીચ, દાળવડા, લાઈવ ઢોકળા, પાઉં રગડો અને વિવિધ પ્રકારના સુકા નાસ્તા જેવી વિવિધ ચટપટી આઈટમ્સ હશે. દરેક પ્લેટનો ભાગ રૂ.૨૦ રાખવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ વખતનું ફનફેરનું નવું આકર્ષણ છે કેરી કેચર આર્ટીસ્ટ દ્વારા બાળકોના સ્કેચ દોરી આપવામાં આવશે. આ ઉપરાંત કુંભાર દ્વારા ચાકડા ઉપર માટીના રમકડા બનાવતા શીખવાડવામાં આવશે અને બાળકોને એ રમકડા ફ્રીમાં આપવામાં આવશે. બે ગેઈમ સ્ટોલ રાખવામાં આવ્યા છે. મહેંદી અને ટેટુનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે જેમાં બાળકોને ગમે તેવા વિવિધરંગી ટેટુ અને મહેંદી ફ્રીમાં કરી અપાશે.

ફનફેરનું સ્થળ જૈન બાલાશ્રમ, લોધાવાડ પોલીસ ચોકીની સામે, ૮, રજપુતપરા, રાજકોટ તા.૧ માર્ચ રવિવાર સાંજે ૪:૩૦ થી ૯ સુધી.

(3:45 pm IST)