Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)ના ફોર્મ ઓનલાઇન વેબ પોર્ટલ મારફત ભરી શકાશે

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા

રાજકોટ તા. ૨૮ : રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અનોખી પહેલ  રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) અંતર્ગત આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે ઓનલાઈન વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે, તેમ રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ અંગે રૂડાના ચેરમેનશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે, હાલ રૂડા દ્વારા બહાર પાડવામાં આવેલ EWS 1, EWS 2, LIG તથા MIG કેટેગરીના ફોર્મ હવે ઓનલાઈન પણ ભરી શકાશે. આ અંગે અરજદારે હવે બેંક સુધી જવું નહિ પડે કે લાઈનોમાં ઉભું રહેવું પડશે નહિ. ઘર બેઠા જરૂરી માહિતી સાથેનું ફોર્મ ઓનલાઈન ભરી શકાશે તથા જરૂરી ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરી શકાશે. આ અંગે અરજદાર દ્વારા રૂડા કચેરીની વેબ સાઈટ www.rajkotuda.com અથવા www.rajkotuda.co.in પર જવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ પદ્ઘતિથી લોકો પોતાની અનુકુળ સમય દરમિયાન તથા અનુકુળ સ્થળ પર ફોર્મ ભરી શકશે તથા જમા કરાવવા માટે લાઈનમાં ઉભું રહેવું નહિ પડે અને અરજદાર આ સેવાનો ઉપયોગ ૨૪ કલાક કરી શકશે. ઉપરાંત ઓનલાઈન ડોકયુમેન્ટ જમા થયા બાદ ડીપોઝીટની રકમ પણ ઓનલાઈન ડેબીટ કાર્ડ/ ક્રેડીટ કાર્ડ/ નેટ બેન્કિંગ /UPI દ્વારા ભરાઈ જતી હોઈ લોકોએ બેંક પર જવાની જરૂર રહેશે નહિ. તે માટે રૂડા દ્વારા જાહેર કરેલ આ ઓનલાઈન પદ્ઘતિનો લોકો વધુ ને વધુ લાભ લે તેવી અપીલ પણ કરેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવા અંગેનો સમયગાળો તા ૨૭/૦૨/૨૦૨૦ સવારે ૦૮.૦૦ કલાકથી તા૧૭/૦૩/૨૦૨૦ બપોરે ૪.૦૦ કલાકનો રહેશે.

ઓનલાઈન અરજીને પ્રોત્સાહન આપવા માટે રૂડાના ચેરમેનશ્રી દ્વારા ફોર્મ ફી ની રકમ રૂ. ૧૦૦ અંગે ડિસ્કાઉન્ટની જાહેરાત કરેલ છે. તેમજ રૂડા દ્વારા કરેલ ઓનલાઈન પધ્ધતિના પેમેન્ટમાં કરતા સમયે ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / ઓનલાઈન બેન્કિંગ/UPIના ચાર્જ/પ્રોસેસ ફી પણ લાગશે નહિ તે અંગે વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ જો અરજદાર ઓનલાઈન ફોર્મ ભરશે તો તેમને કોઈ ફોર્મ ફી કે ચાર્જ ચુકવ્યા વગર ઓનલાઈન ઘર બેઠા ફોર્મ ભરી શકશે.

વધુ માહિતી આપતા ચેરમેનશ્રીએ કહેલું કે, અરજદારને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે ઘણા પ્રશ્નો મુંજવતા હોઈ છે. આ અંગે રૂડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી ચેતન બી ગણાત્રાએ ફોર્મ વિતરણ સ્થળ પર લોકો સાથે થયેલ ચર્ચા અને ફોર્મ વિતરણ સ્ટાફ પાસેથી મેળવેલ લોકોના પ્રશ્નોને આધારે લોકોના મનમાં ઉદ્દભવતા પ્રશ્નોનું લીસ્ટ અને તેના જવાબો સાથેનું FAQ આ સાથે તૈયાર કરી રજુ કરેલ છે. જેથી લોકોના મનમાં રહેલ પ્રશ્નોનું સરળતાથી સમાધાન થઇ શકે.

(3:44 pm IST)