Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કાશી વિશ્વનાથ વિસ્તારના ફલેટનો કબજો ખાલી કરવાના દાવામાં મનાઇ હુકમ મંજુર

રાજકોટ તા. ર૮: અત્રે કાશી વિશ્વનાથ વિસ્તારના ફલેટનો કબજો ખાલી કરાવવાના દાવામાં વચગાળાનો મનાઇ હુકમ મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, આ કામના વાદી રસીકલાલ તરશીભાઇ પીપરીયા રહેઃ 'દેવ' સોમનાથ-૩, શેરી નં. ૪, રૈયા ટેલીફોન એકસચેન્જ રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ વાળાએ રાજકોટ શહેરમાં સરકીટ હાઉસ પાછળ આવેલ કાશી વિશ્વનાથ પ્લોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ આરતી એપાર્ટમેન્ટના બીજા માળે આવેલ ફલેટ નં. ર૧૪ રજીસ્ટર વેંચાણ દસ્તાવેજથી આ કામના પ્રતિવાદી નયનકુમાર વલ્લભદાસ પટેલ રહેઃ ફલેટ નં. ર૧૪, આરતી એપાર્ટમેન્ટ કાશી વિશ્વનાથ પ્લોટ, સરકીટ હાઉસ પાછળ, રાજકોટના પાસેથી અવેજ ચુકવીને ઓનરશીપ એકટ હેઠળ ખરીદ કરેલ હતો.

આમ જયારે પ્રતિવાદીએ સદરહું ફલેટ વેંચાણ કરેલ ત્યારે આ કામના વાદીને એવું કહેલું કે આ ફલેટ અમો થોડાક સમયમાં ખાલી કરી આપીશું. અને બંન્ને એક બીજા ઓળખતા હોવાથી સબંધના નાતે વાદીએ થોડાક સમય માટે રહેવાની મંજુરી આપી પરંતુ ત્યારબાદ વારંવાર ખાલી કરવાનું કહેતા હોવા છતાં પ્રતિવાદી ફલેટ ખાલી કરતા ન હતા. આમ વાદીએ ખરીદ કરેલ ફલેટનો દસ્તાવેજ થઇ ગયો હોવા છતાં પ્રતિવાદી કોઇપણ રીતે કબજો ન આપતા હોવાથી આ કામના વાદીએ ધી સ્પેશીફીક રીલીફ એકટની કલમ-પ, મુજબ કબજો ખાલી કરાવી પરત મેળવવા અંગેનો દાવો રાજકોટના સીનીયર સીવીલ જજની કોર્ટમાં દાખલ કરેલો હતો જે દાવામાં નામદાર કોર્ટે વચગાળાનો મનાઇ હુકમ વાદી તરફે મંજુર કરતો હુકમ કરેલો છે. આ કામમાં વાદી તરફે રાજકોટના યુવાન વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા છે.

(3:43 pm IST)