Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

યાર્ડમાં દલાલ મંડળનું વિસર્જન થયુ નથી, બે દિ'માં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે

રાજકોટ યાર્ડમાં વેપારીઓ અને દલાલોની હડતાલ સમાપ્ત પરંતુ વિવાદોનો દોર યથાવત : દલાલ મંડળ દલાલોની બનાવેલી સંસ્થા છે તેના પર સત્તાધીશોનો કોઈ અધિકાર નથી, દલાલ મંડળ હતુ અને રહેશે, માત્ર ઓફિસનો હક્ક સત્તાધીશોનો હતો તે તેને પરત આપી દીધો છેઃ અતુલ કમાણી

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટ (બેડી) માર્કેટયાર્ડમાં વેપારીઓ અને દલાલોની લાંબી હડતાલ સમાપ્ત થયા બાદ યાર્ડના શાસકો દ્વારા દલાલ મંડળની ઓફિસનો કબ્જો લેવાયા બાદ દલાલ મંડળની કાર્યવાહી બાબતે શાસકો અને દલાલો વચ્ચે વાદ-વિવાદ સર્જાયો છે. કમિશન એજન્ટ એસોસીએશનના પૂર્વ પ્રમુખ અતુલ કમાણીએ દલાલ મંડળનું વિસર્જન થયુ ન હોવાનું અને બે દિ'માં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે તેવુ નિવેદનમાં જણાવ્યુ છે.

સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અને કમિશન એજન્ટ એસોસીએશનના પૂર્વ પ્રમુખ અતુલ કમાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે દલાલ મંડળ દલાલોની બનાવેલી સંસ્થા છે તેના પર સત્તાધીશોનો કોઈ અધિકાર નથી. દલાલ મંડળ હતુ અને રહેશે. માત્રને માત્ર ઓફિસનો હક્ક સત્તાધીશોનો હતો તેને પરત આપી દીધો છે. દલાલ મંડળની જે પ્રવૃતિ હતી તેમાના અમુક કામ સત્તાધીશો અને અધિકારીઓ સંભાળશે. અમે દલાલ મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ પદેથી રાજીનામા આપ્યા છે પરંતુ બે દિવસમાં મીટીંગ કરીને નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે. કદાચ લોકલાગણીને માન આપીને રીપીટ પણ થાય.

દલાલ મંડળ વર્ષોથી ચાલતી સંસ્થા છે અને દલાલોના હિતમાં કામ કરતી સંસ્થા છે અને હજુ પણ દલાલોના હીતમાં કામ ચાલુ રાખશે. પ્રમુખ-ઉપપ્રમુખના રાજીનામાથી દલાલ મંડળનું વિસર્જન થતુ નથી તેવી સ્પષ્ટતા અંતમાં અતુલ કમાણીએ કરી હતી.

(3:42 pm IST)