Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

શહેરમાં મચ્છરનો ત્રાસ : શહેરીજનોનું આરોગ્ય ખતરામાં : પ્રજા ત્રાહિમામ : કોંગ્રેસ

આજી નદી અને રાંદરડા તળાવમાં ગાંડી વેલ દુર કરવામાં તંત્ર નિષ્ફળ : અશોક ડાંગર અને વશરામ સાગઠિયાના આક્ષેપો

રાજકોટ તા. ૨૮ : શહેરમાં જ મચ્છરોના ત્રાસ થી લોકોની સ્થિતિ કફોળી બની છે અને સ્માર્ટ સીટી-સ્વછતા અભિયાન ફારસરૂપ બન્યા છે જયારે રાજકોટમાં છેલ્લા દિવસોમાં ઠંડી ઘટવાથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે તેમજ રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે જેમાં શહેરીજનોની સ્થિતિ હાલ ખુબજ કફોડી બની છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે અને મનપા દ્વારા મચ્છરના ઉપદ્રવ કેન્દ્રો હટાવવા અંગે કોઈ જ નક્કર કામગીરી કરેલ નથી. તેમ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ આક્ષેપો કર્યા હતા.

આ અંગે અશોકભાઇ તથા વશરામભાઇએ જણાવ્યું હતું કે, શહેરમાં આવેલ આજી નદી અને રાંદરડા તળાવમાં ઙ્ગગાંડીવેલ (જળકુંભી) દુર કરવા તંત્રએ કોઇપણ જાતની કામગીરી કરેલ નથી. ઈસ્ટ ઝોન વિસ્તારના અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના આજી નદીની આજુબાજુના રહેવાસીઓને મચ્છરનો ખુબ જ ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ પારાવાર હાડમારી વેઠવી પડે છે જયારે મનપાના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી

વધુમાં આજી નદી અને રાંદરડા તળાવમાં થતી ગાંડીવેલ (જળકુંભી) જ મચ્છરોનું મુખ્ય ઉપદ્રવ કેન્દ્ર બન્યું છે તેમજ રાજકોટ મનપાનું તંત્ર માત્ર ફોગીંગ કરીને પ્રજાના પૈસાનો ઘુમાડો કરે છે. તેવો આક્ષેપ કર્યો હતો.

વધુમાં શ્રી ડાંગર - શ્રી સાગઠિયાએ જણાવ્યું હતું કે, તંત્રએ આ ગાંડીવેલને જડમૂળમાંથી દુર કરવા માટે ઙ્ગકવાયત કરવી જોઈએ અને નક્કર કામગીરી કરવી ફરજીયાત છે તેના વગર આ મચ્છરોના ઉપદ્રવ કેન્દ્રો દુર કરવા શકય નથી જયારે શહેરમાં લોકોનું આરોગ્ય જોખમમાં હોય ત્યારે મનપા દ્વારા માત્ર કાગળ ઉપરની કામગીરી કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટ થાય છે જયારે રાજકોટની જનતાનું આરોગ્ય જોખમાયું છે ત્યારે તંત્રએ સફાળું જાગવું જોઈએ અને નક્કર કામગીરી કરવી જોઇએ.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ માંગણી કરેલ છે તેવું યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:39 pm IST)