Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પોલીસ હેડકવાટર્સ ખાતે શ્રી અંબાજી માતાજી પ્રાણપ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવઃ આજે ગણપતિ પૂજન-નગરયાત્રા-માતાજીની મુર્તિના વધામણાઃ સાંજે ૭:૩૦ કલાકે સંગીત સંધ્યા

રાજકોટઃ શહેરના પોલીસ હેડકવાટર્સ ખાતે નવનિર્મિત શ્રી અંબાજી મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. જે અંતર્ગત આજે સવારે દેહશુધ્ધી, ગણપતિ પૂજન, કુટીર હોમ, કોૈતુકવસ્ત્રબંધન, પુળ્યાહવાચન, નગરયાત્રા-જલયાત્રા, મંડપ પ્રવેશ, ગૃહશાંતિ, અરણીમંથન, અગ્નિસ્થાપન, મુર્તિધાન્યાધિવાચ, દેવતા સ્થાપન અને ગૃહશાંતિના કાર્યક્રમો યોજાયા હતાં. સાંજે સવા પાંચે પુષ્પાધિવાસ ફલાધિવાસ તથા સાંજે સાત કલાકે આરતી સંકિર્તનનું આયોજન થયું હતું. આ ઉપરાંત આજે સાંજે ૭:૩૦ કલાકે 'એક શામ રક્ષકો કે નામ-સંગીત સંધ્યા'નું આયોજન કરાયું છે. જેમાં ગાયક કલાકારો રાજુ ત્રિદેવી, આશિફ ઝરીયા, જયેશ દવે, નિલેષ વસાવડા, પ્રીતિ ભટ્ટ, રૂપાલી જાંબુચા, કાજલ કથરેચા રમઝટ બોલાવશે. સોૈ કોઇ આ સંગીત સંધ્યાનો લ્હાવો લઇ શકે છે. આવતી કાલે શનિવારે સવારથી સાંજ સુધી સૂર્યવંદના, સ્થાપિત દેવ પૂજન, પ્રધાન હોમ, સ્થાપનારાધન, ઓૈષધ સ્નાન, ધૃતાધિવાસ, ધૃપાધિવાસ, પૂજન આરતી સંકિર્તન અને સાંજે ૭:૩૦ કલાકે ભવ્ય લોકડાયરો પણ યોજાશે. જેમાં કિર્તીદાન ગઢવી, સાઇરામ દવે, દેવાયત ખવડ, રાજુ ગઢવી અને પૂનમ ગોંડલીયા જમાવટ કરશે. રવિવારે સવારથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થશે અને બપોરે ૧૨:૩૯ કલાકે મુર્તિ પ્રતિષ્ઠા, પુર્ણાહુતિ હોમ તથા મહાઆરતી થશે. આ પ્રસંગ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા સાંસદો, ધારાસભ્યો, રાજકીય ક્ષેત્રના મહાનુભાવો, આઇપીએસ ઓફિસર્સ ઉપસ્થિત રહેશે. આજે માતાજી શ્રી અંબે માની મુર્તિના સામૈયા કરી રંગેચંગે નગરયાત્રા યોજવામાં આવી હતી. જેમાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરના ભાવિકો રાસે રમતાં રમતાં જોડાયા હતાં.તસ્વીરોમાં શ્રી અંબે માતાની મુર્તિ તથા તેમના દર્શન-સામૈયા કરતાં મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ધનસુખ ભંડેરી, પોલીસ કમિશન મનોજ અગ્રવાલ, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, ઉદય કાનગડ, પોલીસ કમિશનર સાથે એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, ત્રીજી હરોળની તસ્વીરોમાં મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં માતાજીની મુખ્ય મુર્તિ તથા અન્ય દેવી દેવતાઓની મુર્તિઓની નગરયાત્રા કરાવવામાં આવી ત્યારે રાસની રમઝટ બોલી હતી તે દ્રશ્ય અને હોમહવનમાં બિરાજમાન થયેલા પીઆઇ એચ. એમ. ગઢવી-પરિવારજનો તથા અન્ય પોલીસ પરિવારજનો અને સોૈથી છેલ્લે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. આર.વાય. રાવલ સાફા અને ગળામાં ખેસ સાથેના પરંપરાગત પોષાકમાં જોવા મળે છે. આ અધિકારીઓ મોટે ભાગે ખાખી વર્દીમાં જ જોવા મળતાં હોય છે.

મહોત્સવની સાથે અવેરનેસ અંગેના સ્ટોલ ઉભા કરાયાઃ છાત્રોને વિવિધ માહિતી અપાઇ

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અવેરનેસ અંગેના રાજકોટ શહેર ટ્રાફિક શાખા, દુર્ગાશકિત ટીમ, સાયબર ક્રાઇમ, શસ્ત્ર પ્રદર્શન,ના જુદા-જુદા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમા આલ્ફા સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, અર્પિત કોલેજના ૨૬૦ છાત્રો અને પોલીસ પરિવારના ૨૦૦ બાળકોએ મુલાકાત લીધી હતી. ટ્રાફિક જાગૃતિ અંગે બધાને જાણકારી અપાઇ હતી. તેમજ સ્પડીગન, ટ્રાફિક કવીઝ, બ્રેથએનલાઇઝર, આરટીઓ વેન સહિતની માહિતી તેમજ મહિલા સુરક્ષીતા એપ અને સાયબર સુરક્ષિત મહિલા બૂકનું વિતરણક રવામાં આવ્યું હતું. પોલીસ હેડકવાર્ટર આર્મ્સ યુનિટ દ્વારા અધ્યાધુનિક શસ્ત્રોનું પ્રદર્શન યોજાયું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:38 pm IST)