Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રૂડાનું ૭૦૩ કરોડનું બજેટ સર્વાનુમતે પસાર : એઇમ્સ માટે રસ્તો બનાવવા ૩૨૦ હેકટરમાં ખાસ TP સ્કીમ : ૨૫ કરોડના ખર્ચે રૂડાનું બિલ્ડીંગ

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની  બોર્ડ મીટીંગ અધ્યક્ષશ્રી અને કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં બજેટ સહિતના ઠરાવોને બહાલી અપાઇ હતી.

આ બજેટ બેઠકમાં ચેરમેનશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ નાં અંદાજપત્ર રૂ.૭૦૩.૦૦ કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતુ. જેમાં સત્તામંડળ વિસ્તારમાં વિકાસના કામો, ટી.પી. સ્કીમોનો સમાવેશ થાય છે.

મુખ્યત્વે સત્તામંડળ વિસ્તારનાં આકાર પામી રહેલ AIIMS ની અગત્યતાને ધ્યાને લઈ આ વિસ્તારમાં ૯૦.૦ મી. પહોળાઈમાં ડી.પી. રસ્તા અને AIIMS આસપાસનાં વિસ્તારમાં સુચીત ટી.પી. સ્કીમ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો. આ ટી.પી. સ્કીમ અંદાજે ૩૨૦ હેકટરમાં મુકવામાં આવશે.

ઉપરાંત મોટામવા ખાતે ટી.પી. સ્કીમ નં.૧૦ ફા.પ્લોટ નં.૫૨-બી પર ૬૮૫૨ ચો.મી. જગ્યામાં રૂડા કચેરી માટે નવું બિલ્ડીંગ રૂ.૨૫.૦૦ કરોડનાં ખર્ચે બાંધવા માટેની દરખાસ્તને મંજુરી આપવામાં આવી. જે બિલ્ડીંગ ગ્રીન કોન્સેપ્ટ તથા કુલ રૂફ અને સોલારની સુવિધા સાથે બનશે.

રૂડા દ્વારા તૈયાર કરેલ ડ્રાફટ ટી.પી. સ્કીમ નં.૩૬/૩ (ઘંટેશ્વર-પરાપીપળીયા)ની પ્રારંભીક યોજનાની ટી.પી.ઓ દ્વારા તૈયાર કરાયેલ કામ ચલાઉ પુનઃ રચનાની દરખાસ્તને પરામર્શ આપવામાં આવ્યો. જે બાદ હવે આ ટી.પી. સ્કીમ ટી.પી.ઓ દ્વારા સરકારમાં સાદર કરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં ચાલતા વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.

રૂડા કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂડા વિસ્તારનાં જુદા-જુદા સુચીત સ્થળોએ આવાસ યોજના માટે તા.૧૭-૦૩-૨૦૨૦ સુધી અરજી ફોર્મ વિતરણ તથા સ્વીકારવા માટેની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત રાજયમાં પ્રથમ વખત આ યોજના અંતર્ગત  ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જે સુવિધા રૂડા કચેરી રાજકોટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. તેમ ચેરમેનશ્રીએ ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ બેઠકમાં પ્રાદેશીક કમિશ્નરશ્રી, નગરપાલીકાઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ,  સીટી ઈજનેરશ્રી (રાજકોટ મહાનગરપાલીકા), પ્રવર નગર નિયોજકશ્રી, નગર નિયોજકશ્રી અન્ય સદસ્યોશ્રી ઉપસ્થિત રહેલ હતા. રૂડા કચેરીનાં મુખ્ય કારોબારી અધિકારીશ્રી સી.બી.ગણાત્રાએ અત્રેની બેઠકના અંતે સર્વેનો આભારવિધિ કરેલ હતી.

(3:37 pm IST)