Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કુવાડવા રોડ પર ડેલામાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ફારૂક અને સિકંદર ૨.૧૬ લાખના દારૂ-બીયર સાથે પકડાયા

હોળી ધુળેટીના તહેવાર અંતર્ગત કમાઇ લેવા નાના-મોટા બૂટલેગરો મેદાનેઃ પોલીસ પણ સક્રિય : હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ ધાંધલ્યા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૨૮: શહેર ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પર ઓડી કારના શો રૂમ પાસે આવેલા ડેલામાં દરોડો પાડી ફારૂક ગફારભાઇ ભેટ (ઉ.૩૯-રહે. ગુ.હા. બોર્ડ રિધ્ધી સિધ્ધી સોસાયટી બ્લોક નં. ૨૦૪, દૂધસાગર રોડ) તથા સિકંદર યુસુફભાઇ ચોૈહાણ (ઉ.૨૨-રહે. રિધ્ધી સિધ્ધી ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૧૧૧૧)ને રૂ. ૨,૧૬,૫૪૦ના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લીધા છે. પોલીસે બ્લેન્ડર્સ પ્રાઇડ, સિગ્નેચર, માકીન્તોશ, ગોલ્ફર શોટ, મેજીક મોમેન્ટ, મેકડોવેલ્ડ, એઇટ પીએમ વ્હીસ્કીની બોટલો-ચપલા તથા ટ્યુબર્ગ, કાર્લ્સબર્ગ, હેવર્ડ ફાઇવ થાઉઝન્ડ, કિંગફીશર બીયરના ટીન જપ્ત કર્યા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. રઘુવીરસિંહ વાળા,  સિધ્ધરાજસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. રઘુભા વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી છે.

હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો હોઇ કમાઇ લેવાના ઇરાદે બંનેએ આ દારૂ-બીયરનો જથ્થો ઉતાર્યો હતો. પરંતુ ગ્રાહકો માલ હસ્તગત કરે અને છુટક બુટલેગરો માલનું કટીંગ કરે એ પહેલા ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી.

(3:35 pm IST)