Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

બે મહિનામાં દેરાણી-જેઠાણી ન સુધરે તો ઘરભેગા ! ચિમકી

આબરૂ ગઈ...ડીગ્રીની વિશ્વસનીયતા ગઈ...'એ' ગ્રેડ છીનવાયા બાદ આખરે ભાજપ સફાળુ જાગ્યું... : ભાજપના ૪ વગદાર સિન્ડીકેટ સભ્યોએ સતત બે કલાક સુધી બન્નેને ઘઘલાવ્યાં...ઝઘડા બંધ કરી શિક્ષણ જગત અને વિદ્યાર્થી આલમમાં વિશ્વાસ ઉભો કરવા તાકીદઃ બન્નેએ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની ખાત્રી ઉચ્ચારીઃ ગણગણાટ

રાજકોટ, તા. ૨૮ :. સમગ્ર ગુજરાત જ નહિ પરંતુ વિશ્વભરમાં ખૂબ જાણીતી બનેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અગાઉના કુલપતિશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વહીવટી કર્મચારીઓના સહીયારા પુરૂષાર્થથી 'એ' ગ્રેડનું બિરૂદ મળેલ પરંતુ વર્તમાન સત્તાધીશો કુલપતિ અને કુલનાયક વચ્ચે તાલમેલ અને સંકલનના અભાવે ગૌરવવંતો 'એ' ગ્રેડ છીનવાયો છે ત્યારે હવે રહીરહીને ભાજપ આગેવાનો મેદાને આવ્યા છે અને સ્થિતિને થાળે પાડવા કડક કદમ ઉઠાવી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં કુલપતિ નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેશાણી વચ્ચે અનેકવાર કજીયાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી કાર્ય પર ગંભીર અસર પડી છે. કુલપતિ નીતિન પેથાણી કોઈ નિર્ણય કરે તો કુલનાયક વિજય દેશાણી અડચણ ઉભી કરે તો કુલનાયક કોઈ કાર્ય કરે તો કુલપતિ અવરોધ ઉભો કરે. સામાન્ય રીતે મોટાભાગના નિર્ણયોમાં બન્ને વચ્ચે અહ્મ ટકરાઈ જતા કોઈ નિર્ણય થઈ શકતા ન હતા.

એક સમયે તો કુલનાયક અને કુલપતિ કાર્યાલયમાં કોણ જાય છે ? શું કામ જાય છે ? શું માર્કિંગ થયું ? આ બાબતનો તાગ મેળવવા બન્નેએ તેમના બાતમીદારોને કામે લગાડયા હતા. સમયાંતરે મોટાભાગના સિન્ડીકેટ, સેનેટ કે પ્રોફેસરો બન્નેને મળવાનું જ ટાળતા થઈ ગયા હતા.

કુલપતિ અને કુલનાયક વચ્ચે દેરાણી-જેઠાણી જેવા ઝઘડાને કારણે 'એ' ગ્રેડ ગયો, પરીક્ષામાં બેફામ ચોરી, વહીવટી કામો સ્થગીત, વિદ્યાર્થીઓમાં યુનિવર્સિટી પ્રત્યે નારાજગી વધતા ભાજપના ચાર વગદાર સિન્ડીકેટ સભ્યોએ તાજેતરમાં સમી સાંજે કુલપતિની ચેમ્બરમાં કુલનાયકને બોલાવી બન્નેનો રીતસરનો ઉધડો લીધો હતો અને શાનમાં સમજી જવા ચિમકી ઉચ્ચારી હતી કે જો બે મહિનામાં તમારા ઝઘડાની કે સંકલનનો અભાવ હોવાની રાવ આવશે તો મોવડી મંડળને રજૂઆત કરી પરત કરવાની ફરજ પડશે.

ભાજપના સિન્ડીકેટ સભ્યોએ કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 'પૂર્વ કુલપતિ કનુભાઈ માવાણીએ કરેલા કાર્યો તમે નિહાળો, તેમની કાર્યપદ્ધતિને અનુસરો, વિદ્યાર્થી અને અધ્યાપકો સાથે આત્મીયતા કેળવો, દરરોજ ફેસબુક અને વોટસએપમાં જેમ અપડેટ રહો છો તેમ યુનિવર્સિટીના પરીક્ષા, વહીવટી, સંશોધન કાર્યમાં પણ અગ્રેસર રહો અને ખોટી ડંફાસુ હાંકવાનું બંધ કરો.'

છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીમાં મોટાભાગના નિર્ણયો જ્ઞાતિવાદના આધારે થતા હોય છે તેના બદલે ગુણવત્તાના આધારે કરવા જોઈએ તેવી લાગણી પ્રવર્તિ રહી છે. 'એ' ગ્રેડ ગુમાવતા માત્ર પ્રોફેસર ચક્રવાલની હકાલપટ્ટી કરવાનો નિર્ણય અયોગ્ય હોવાનું જણાવી ભાજપ આગેવાનોએ અગાઉ ફોર સ્ટાર અને 'એ' ગ્રેડ મેળવવામાં પણ પ્રો. ચક્રવાલની નિર્ણાયક ભૂમિકા હતી. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા અધ્યાપકોની સંખ્યા કેટલી ? સહિતના મુદ્દે કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણી ઉપર તડાપીટ બોેલી હતી.

કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણી ઉપર બોલેલી તડાપીટ બાદ બન્નેએ યુનિવર્સિટીનો વિકાસ કરવાની ખાત્રી ઉચ્ચારી હતી ત્યારે હવે આ શિખામણ કેટલો સમય ટકશે ? તે તો આવનારો સમય જ કહેશે.

(3:34 pm IST)