Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજકોટ-અમદાવાદ-સીકસ લેન હાઇવે અંગે મોટો વિવાદઃ ૪૦% જમીન 'મફત' આપી દેવાની હોય જમીન માલીકોમાં જબરી 'હોળી'

સીટી પ્રાંત-ર સમક્ષ સુનાવણી શરૃઃ ૭ ગામોની જમીનઃ ૬૦થી વધુ વાંધાઃ જીઆઇડીસી પણ વાંધેદારમાં : રૂડાનો એવો ઠરાવ છે કે ૪૦% જમીન મફત આપવાનીઃ કેન્દ્રનો પરિપત્ર છે ર૦૧૩ ના અધિનીયમ મુજબ વળતર આપવાનું : આજે આણંદપર-માલીયાસણ-તરઘડીયા ગામના વાંધા સંભળીયા કુવાડવા અંગે જીઆઇડીસી કહે છે વળતર અમને આપોઃ કારખાનેદારો કહે છે, અમને વળતર મળવું જોઇએ ત્રણ વર્ષની વેચાણ નોંધ પણ રજૂ...

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે સીકસ લેન બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરીટી મેદાનમાં આવી છે, આ માટેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ થયું છે, અને તેમાં રાજકોટ તાલુકાના ૭ ગામો આણંદપર-માલીયાસણ-તરઘડીયા-કુવાડવા  -કૂચીયાદડ-હીરાસર અને રામપરા બેટીના જમીન માલીકો - ખેડૂતો-કારખાનેદારોની જમીન આવે છે.આ બાબતે આજે જમીન સંપાદન મુદે રાજકોટ સીટી પ્રાંત-ર સમક્ષ સુનાવણી શરૂ થઇ  છે., ત્રણ ગામો આણંદપર-માલીયાસણ -તરઘડીયા ગામોના ૬૦ થી વધુ વાંધા આજે રજૂ થયા હતાં.

પરંતુ આ સુનાવણી દરમિયાન બે મોટા ઇસ્યુ આજે જ ઉભા થયા હતાં. કુવાડવામાં જીઆઇડીસી આવેલી છે, તેનો અમુક ભાગ જમીન સંપાદનમાં જાય છે.

આથી જીઆઇડીસીના અધિકારીઓએ એવું કીધુ કે જમીન સંપાદન થાય તો સીધુ વળતર અમને મળવુ જોઇએ.

આ સામે કારખાને દારો ઉકળી ઉઠયા, ત્રણ વર્ષના દસ્તાવેજ - વેચાણ નોંધ રજૂ કરી વળતર અમને આપવુ જોઇએ તેવી માંગણી કરી હતી.

બીજો મોટો વિવાદ શરૂ થઇ ગયો છે., એમાં એ બાબત છે કે સરકારે કરેલા ઠરાવ - મુજબ - રૂડામાં આવતી જમીન અને તે પણ રોડ પરની હોય તો ૪૦% જમીન કપાત વિનામુલ્યે આપવાની એમાં કોઇ વળતર નહી મળે, પરીણામે જેમની જમીનો જાય છે તે માલીકો-ખેડૂતોમાં જબરી હોળી સર્જાઇ ગઇ છે, અને દેકારો મચી ગયો છે, આ પરિપત્ર ગયા વર્ષે ૭-૬ ર૦૧૯ ના પ્રસિધ્ધ થયો હતો.

હવે નેશનલ હાઇવે આ રોડ બનાવવાનું છે, કેન્દ્રનો એવો પરિપત્ર છે કે ર૦૧૩ ના અધિનીયમ મુજબ જમીન સંપાદન અંગે વળતર આપવું.

ટૂંકમાં બંને પરિપત્રો વિરોધાભાસી છે, હાલ તો  ૪૦ ટકા જમીન 'મફત' આપી દેવાના મુદે જમીન માલીકોમાં હોબાળો મચી ગયો છે.

(3:30 pm IST)