Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પ્રદ્યુમન પાર્કમાં બનશે વિદ્યાર્થીઓ માટે ટ્રેકીંગ સુવિધા

પ્રાણીઓ માટે પ્રાકૃતિક પાંજરા બનાવવા અને નેચરલ એજયુકેશન કેમ્પ સાઇટ બનાવવાના પ્રથમ ટેન્ડરમાં કોઇએ રસ ન દાખવ્યોઃ રીટેન્ડર કરાયા

રાજકોટ, તા., ર૮: શહેરની ભાગોળે આવેલ પ્રદ્યુમન પાર્કમાં વિદ્યાર્થીઓ માટે નેચરલ એજયુકેશન કેમ્પ સાઇટ બનાવવામાં આવશે તેમજ જુના પ્રાણીઓ માટે પ્રાકૃતિક પાંજરાઓ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ શહેરની ભાગોોળે આવેલ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુમાં વધુને વધુ શહેરીજનો મુલાકાત લે અને તેઓને નવુ નજરાણું જોવા મળે તે હેતુથી વિવિધ પ્રાણીઓ, પક્ષીઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને નેચરલ એજયુકેશન મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ લાખના ખર્ચે નેચરલ એજયુકેશન કેમ્પ સાઇટ બનાવવામાં આવશે. આ કામ માટે ટેન્ડરો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રથમ ટેન્ડરમાં કોઇએ રસ ન દાખવતા બીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે  દર ગુરૂવારે શહેરની શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રદ્યુમન પાર્ક ખુલ્લુ મુકવામાં આવે છે.

આ મુલાકાત દરમિયાન નેચરલ એજયુકેશનનો લાભ પણ લઇ શકે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહયું છે.

આ ઉપરાંત ઝુના સિંહ, વાઘ, હરણ, બબુન, મંકી સહીતના પ્રાણીઓ માટે પ્રકૃતિ મુજબના રૂ.રર લાખના ખર્ચે પાંજરા બનાવવામાં આવશે. આ કામ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રથમ વખત ટેન્ડરમાં કોઇ કોન્ટ્રાકટરે રસ ન દાખવતા રી-ટેન્ડર કરવામાં આવ્યું છે.

આ પ્રાકૃતિક મુજબના પાંજરા બનાવવાથી પ્રાણીઓની સારી દેખરેખ થઇ શકશે તેમજ મુલાકાતીઓ પણ આ પ્રાણીઓ સારી રીતે નિહાળી શકશે.

(3:26 pm IST)