Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ચમત્કારથી નમસ્કારઃ કોર્પોરેશને મિલ્કત હરરાજી શરૂ કરતા બે બાકીદારોએ વેરો ભર્યો

વેરા શાખા દ્વારા કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, જીલ્લા ગાર્ડન, કોઠારીયા સહિતના વિસ્તારોમાં કાર્યવાહીઃ પ૯ મિલ્કતોને જપ્તીની નોટીસઃ રૂ.૪૦.૪પ લાખની આવક

રાજકોટ, તા., ર૮: મ્યુનિસીપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નો ર૪૮ કરોડનો મિલ્કત વેરાનો લક્ષ્યાંક પુરો કરવા મિલ્કત સીલ, હરરાજી, જપ્તીની નોટીસ, નળ કનેકશન કપાત સહીતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે વોર્ડ નં. ૪ માં બે મિલ્કતોનો બાકીવેરો  વસુલવા હરરાજીની કાર્યવાહી કરતા બાકીદારે સ્થળ પર જ વેરો ભર્યો હતો. ત્રણેય ઝોનમાં કુલ પ૯ મિલ્કતોને જપ્તીની નોટીસ આપવામાં આવી છે. કુલ રૂ. ૪૦.૪૫ લાખની વસુલાત થવા પામી છે.

આ અંગે મ્યુનીસીપલ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વેરા શાખા દ્વારા યુનિવર્સિટી રોડ, પરસાણાનગર, ઓમશાંતિ પાર્ક, રણછોડનગર, યાજ્ઞીક રોડ, સોની બજાર, પેલેસ રોડ, અક્ષર માર્ગ, કાલાવડ રોડ, ગોંડલ રોડ તથા કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં બાકી મિલ્કત વેરો વસુલવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન તથા વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા આજે કુલ પ૯ મિલ્કતોને જપ્તીની નોટીસ આપવામાં આવી હતી. તેમજ આજે રૂ. ૪૦ં.૪પ લાખની 

વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. ૪ ના પારેવડી ચોકમાં આવેલ સદગુરૂ કોમ્પલેક્ષની બે મિલ્કતનો રૂ.૪.૩૧ લાખનો બાકી વેરો વસુલવા હરરાજીની કાર્યવાહી શરૂ કરે તે પહેલા જ મિલ્કત ધારક દ્વારા વેરો ભરપાઇ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી આસીસ્ટન્ટ કમિશ્નર હરીશ કગથરા, સમીર ધડુક, વી.એમ.પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા કૌશીક ઉનાવા તેમજ વોર્ડ ઓફીસરો, વોર્ડ ટેકસ ઇન્સ્પેકટરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(3:26 pm IST)