Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રેલનગરમાં નિવૃત રેલ કર્મચારીના મકાનમાંથી ૧.૬૩ લાખની ચોરીઃ પડોશીનું બાઇક પણ હંકારી જવાયું

ભકિતરામભાઇ ગોંડલીયાની ફરિયાદઃ ત્રણ તસ્કર સીસીટીવી કેમેરામાં દેખાયા

રાજકોટ તા. ૨૮: રેલનગરમાં સાધુ વાસવાણી રોડ કુંજ પર રહેતાં બાવાજી પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૧,૬૩,૦૦૦ના સોનાના દાગીના ચોરી જતાં અને તેમના પડોશીએ ઘર બહાર લોક કરીને રાખેલુ એક બાઇક પણ ચોરી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ચોરીના બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ સ્મશાન સામે ઘનશ્યામ બંગ્લોઝ બ્લોક નં. એ-૨૧માં રહેતાં અને નિવૃત જીવન ગાળતાં  નિવૃત રેલ કર્મચારી ભકિતરામભાઇ રામકૃષ્ણ ગોંડલીયા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.

ભકિતરામભાઇના કહેવા મુજબ હું મારા પરિવાર સાથે મારી દિકરી કે જે જામનગર સાસરે હોઇ ત્યાં ૨૬મીએ સાંજે સાડા પાંચેક વાગ્યે ગયા હતાં. દરમિયાન ગઇકાલે ૨૭મીએ અમારા પડોશી મિત્ર ભાવેશભાઇ જોષીએ મારા દિકરાને ફોન કરી જણાવ્યું હતું કે તમારા મકાનના તાળા તૂટ્યા છે. આથી હું અને પુત્ર ધવલ અમે જામનગરથી રાજકોટ પહોંચ્યા હતાં. આવીને જોતાં મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો દેખાયો હતો. અંદર જઇ જોતાં બધો સામાન ઘરવખરી વેરવિખેર હતાં. તસ્કરોએ ઉપરના માળના રૂમમાં પ્રવેકશી ત્યાં પણ ખાખાખોળા કર્યા હતાં.  કબાટની અંદર બે લોકવાળા ડ્રોઅર હતાં તેમાંથી દાગીના ચોરી લેવાયા હતાં.

તસ્કરો ૩૦ હજારની કિંમતની સોનાની એક વીંટી, ૩ હજારનો ચેઇન, ૩૦ હજારનો સોનાનો દોઢ તોલાનો ચેઇન, બીજો એક ૩૦ હજારનો ચેઇન, સોનાના પેન્ડન્ટવાળો ત્રીજો એક ૩૦ હજારનો ચેઇન તેમજ સોનાનો સેટ રૂ. ૪૦ હજારનો સહિતના દાગીના ચોરાઇ ગયા હતાં. આ દાગીના અમે ૨૦૧૫માં ખરીદ કર્યા હતાં.

પડોશી ધારીણીબેન ભાવેશભાઇ જોષી (ઉ.૩૫-ઘનશ્યામ બંગ્લોઝ બ્લોક નં. બી-૩૯)માં પણ ચોરી થયાની ખબર પડી હતી. તસ્કરો તેમના ઘર પાસે લોક કરી પાર્ક કરાયેલુ જીજે૦૩એલએફ-૮૮૯૭ નંબરનું બજાજ પલ્સર બાઇક રૂ. ૭૦ હજારનું લોક તોડી ચોરી ગયા હતાં.

તસ્કરો બાવાજી પરિવારના મકાનમાંથી રૂ. ૧,૬૩,૦૦૦ના સોનાના દાગીના અને પડોશીના ઘર પાસેથી તેમનું ૭૦ હજારનું બાઇક પણ હંકારતા ગયા હતાં. પ્ર.નગર એએસઆઇ એસ. આર. જોગરાણાએ ફરિયાદ દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. નજીકના સીસીટીવી કેમેરામાં ત્રણ જેટલા શકમંદ દેખાતા હોઇ પોલીસે ફૂટેજ મેળવવા તજવીજ કરી છે. (૧૪.૭)

(12:53 pm IST)