Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

આજી વસાહતમાં પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી કુંભાર પિતા-પુત્ર પર હુમલોઃ પુત્રનો હાથ ભાંગી ગયો

મુન્નો બોરીચા અને બે અજાણ્યા શખ્સોએ પાઇપથી ફટકાર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૮: આજી વસાહત એંસી ફુટ રોડ પર ખોડિયારનગરમાં રહેતાં કલ્પેશ રાજુભાઇ સરેરીયા (કુંભાર) (ઉ.૨૫) અને તેના પિતા રાજુભાઇ શંકરભાઇ સરેરીયા (ઉ.૫૦) પર રાત્રીના ઘર નજીક મુન્નો કનુભાઇ બોરીચા અને અજાણ્યા બે શખ્સોએ પાઇપથી હુમલો કરી ઇજા કરતાં અને કલ્પેશનો હાથ ભાંગી જતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી. બંનેને હોસ્પિટલે ખસેડનારા મિત્રના કહેવા મુજબ કલ્પેશ મોબાઇલ રિચાર્જનું કામ કરે છે અને તેના પિતા રાજુભાઇ કડીયા કામની મજૂરી કરે છે. પીએસઆઇ એચ. વી. વડાવીયાએ કલ્પેશની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં જણાવાયું છે કે અગાઉ મુન્ના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. પાઇપના ઘા ફટકારાતાં કલ્પેશનો ડાબો હાથ ભાંગી નંખાયો હતો. તેમજ તેના પિતાને પગમાં મુંઢ ઇજા પહોંચાડાઇ હતી.

કીટીપરાના અનિલ પર રૈયાધારમાં પાઇપના ઘા

જંકશન પ્લોટ કીટીપરામાં રહેતાં અનિલ કાકુભાઇ ભોણીયા (ઉ.૨૮)ને રાતે રૈયાધાર મફતીયાપરામાં હતો ત્યારે ભીખો, પ્રતિકે ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

(12:52 pm IST)