Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

હાશ... ઠંડીનો રાઉન્ડ પૂરો થશે : સોમ-મંગળ ઝાકળવર્ષા

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૭ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધીની આગાહી : તા.૨૯-૩૦ (શનિ-રવિ)ના તાપમાન નોર્મલ નજીક પહોંચી જશે : ન્યુનતમ અને મહત્તમ તાપમાન નોર્મલથી ૫ થી ૮ ડિગ્રી ઉંચકાશે

રાજકોટ, તા. ૨૭ : છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલ કાતિલ ઠંડીનો રાઉન્ડ હવે પૂરો થવામાં છે. આ સપ્તાહમાં ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થતો જશે. આવતા સોમ-મંગળ ઝાકળવર્ષાની શકયતા છે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.  તેઓએ જણાવેલ કે ૨૩ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન ઠંડીનો રાઉન્ડ આવશે તે અનુસંધાને કોલ્ડવેવ અને ઠંડીનો રાઉન્ડ આવી ગયો. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં મહત્તમ અને ન્યુનતમ તાપમાન નોર્મલથી ૪ થી ૬ ડિગ્રી નીચા આવી ગયા હતા. આજે પણ હજુ તાપમાન નોર્મલથી ૩ થી ૫ ડિગ્રી નીચા છે. જેમ કે ડીસા ૭.૨, કેશોદ ૭.૩, ગાંધીનગર અને કંડલા એરપોર્ટ ૮.૧, અમદાવાદ અને વડોદરા ૧૦, રાજકોટ ૧૦.૩ જયારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદ ૨૫.૪, રાજકોટ ૨૬.૨, વડોદરા ૨૫, ડીસા ૨૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયેલ. રાજકોટ શહેરમાં હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન ૧૩ ડિગ્રી અને મહત્તમ નોર્મલ તાપમાન ૨૯ ડિગ્રી ગણાય.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૭ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે આજથી તા.૨૯ જાન્યુઆરી સુધી મુખ્યત્વે પવન ઉત્તર પૂર્વ અને પૂર્વના રહેશે. તા.૩૦ થી પવન પશ્ચિમના થશે. જે આગાહી સમયના અંત સુધી રહેશે. પવનની ઝડપ અમુક દિવસ ૧૨ થી ૨૦ કિ.મી. અને અમુક દિવસ તા.૨૮ થી ૩૧ જાન્યુઆરી તેમજ ૨-૩ ફેબ્રુઆરીના ૧૭ થી ૩૦ કિ.મી.ના ફૂંકાશે. આ ઠંડીનો રાઉન્ડ પૂરો થવા તરફ છે. તા.૨૯-૩૦માં તાપમાન નોર્મલ નજીક આવી જશે.

એકંદરે મહત્તમ અને ન્યુનતમ તાપમાન ઠંડીના રાઉન્ડ કરતાં ૫ થી ૮ ડિગ્રી વધી જશે. પહેલા તાપમાન નોર્મલ થશે અને ફેબ્રુઆરીના શરૃઆતના દિવસોમાં તાપમાન ઉંચુ જવાની શકયતા છે.

તા.૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના ઝાકળની શકયતા મુખ્યત્વે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. તા. ૨ ફેબ્રુઆરીમાં એકદમ સિમિત વિસ્તારમાં ઝાકળ જોવા મળશે. તા.૩૧ અને ૧ના સામાન્ય વાદળછાયુ વાતાવરણ જોવા મળશે

(4:15 pm IST)