Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

૨૦ વર્ષની પાઇલોટ રાજકોટની દિકરી શ્રીયા સોરઠીયાની ઉંચી ઉડાનઃ મહિલાઓ માટે સંદેશો-દ્રઢ નિશ્ચયથી સપના સાકાર કરો

રાજકુમાર કોલેજમાં ૧ થી ૧૦ સુધી ભણી, ધો.૧૧-૧૨ની સાથે પાઇલોટની તાલિમ લીધીઃ ૨૦ વર્ષે પાઇલોટ બની, ૨૦૧૯માં સ્પાઇસ જેટ જોઇન કર્યુ...અમદાવાદથી દેશભરમાં ફલાઇટ ઓપરેટ કરી હતીઃ પણ પહેલી વખત દિલ્હીથી રાજકોટ હોમટાઉન પહોંચી ગૌરવની લાગણી અનુભવી : તમારી દિકરીઓના લગ્નની ખર્ચની ચિંતામાં તેના ભણતર પર અસર ન પડવા દો, એને કારકિર્દી ઘડવા દો...એ જ એનો કરિયાવર છેઃ માતા જયશ્રીબેન સોરઠીયા

રાજકોટ તા. ૨૮: 'વિચારો કરવાથી કંઇ ન વળે, એનો અમલ કરવો પડે...દ્રઢ સંકલ્પ, મહેનત અને લક્ષ્યને સિધ્ધ કરવા ઝઝૂમવું પડે, તો સફળતા આપોઆપ કદમ ચુમે'...કંઇક આવો જ સંદેશો ૨૦ વર્ષની પાઇલોટ રાજકોટની દિકરી શ્રીયા સોરઠીયાએ દરેક નારી માટે આપ્યો છે. શ્રીયાએ આ વાતને યથાર્થ પણ ઠેરવી છે. ૨૦ વર્ષની આ પાઇલોટ યુવતિ સોરઠીયા પરિવાર અને સમગ્ર રાજકોટનું ગૌરવ છે. આભને આંબવાની ઇચ્છાઓ તો લગભગ દરેક લોકો વ્યકત કરતાં રહેતાં હોય છે. પરંતુ આ ઇચ્છા ફળીભુત થાય એ માટેના પ્રયાસો બહુ ઓછા લોકો કરતાં હોય છે. નાનપણથી જ શ્રીયાની ઇચ્છા હતી, એક સપનુ હતું કે પોતે પાઇલોટ બનશે. તેના આ સપનાને સાકાર કરવામાં તેના માતા જયશ્રીબેન સોરઠીયાએ પણ ગજબનો સહકાર આપ્યો. તેના ફળ સ્વરૂપે અને પોતાની મહેનત, ધગશ તથા મંજીલને પામવાના પ્રબળ પ્રયાસોને અંતે રાજકોટની આ દિકરી ૨૦ વર્ષની ઉમરે પાઇલોટ બની ગઇ અને ફલાઇટ ઉડાડી મંજીલ સુધી પહોંચી ગઇ. આમ તો અમદાવાદથી તે અનેક બીજા શહેરોમાં ફલાઇટ ઓપરેટ કરી ચુકી છે. પરંતુ ૨૫મીએ પહેલી જ વખત પોતાની માતૃભુમિ-હોમટાઉન એવા રાજકોટમાં તે દિલ્હીથી ફલાઇટ ઉડાડીને આવી પહોંચી ત્યારે તેના ચહેરા પર ગૌરવની લાગણીઓ સ્પષ્ટ જોઇ શકાતી હતી.

સામાન્ય રીતે આપણા સમાજમાં એવી માન્યતા હોય છે કે દિકરાઓ જ પરિવાર-કુટુંબનું નામ રોશન કરી શકતા હોય છે. જો કે આજના યુગમાં તો હવે આવી માન્યતાઓ બહુ રહી નથી, દિકરીઓ પણ અને દિકરા સમોવડી અને દિકરાઓ કરતાં પણ બે ડગલા આગળ રહી દરેક ક્ષેત્રમાં સફળતાના ઝંડા ફરકાવી રહી છે અને કહી રહી છે કે હમ કીસી સે કમ નહિ. દિકરી વ્હાલનો દરિયો તો હોય જ છે, હવે દિકરીઓ એવા એવા ફિલ્ડમાં આગળ વધી રહી છે જે જોઇને દરેક મા-બાપ એવું વટથી કહી શકે છે કે દિકરી અમારું ગૌરવ છે. દિકરી. રાજકોટના જયશ્રીબેન સોરઠીયા (આહિર) પણ પોતાની દિકરી શ્રીયાને લઇને આવું જ ગૌરવ અનુભવી રહ્યા છે.

શ્રીયાએ પોતાનો ધોરણ ૧ થી ૧૦નો અભ્યાસ શહેરની શ્રેષ્ઠત્તમ રાજકુમાર કોલેજમાં પુરો કર્યો હતો. ભણતરની સાથે જ શ્રીયાએ એક સપનુ જોયુ હતું અને મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે મારે પાઇલોટ બનવું છે.  તેની આ ઇચ્છાની, તેના આ સપનાની માતા જયશ્રીબેનને જાણ થતાં જ તેમણે દિકરીને તેના સપનાને સાકાર કરવા ઉંચી ઉડાન ભરવા માટે સહકારરૂપી પાંખો આપી દીધી, અને દિકરીને તેની ઇચ્છા મુજબ ઉડાન ભરવા દીધી.

માતાએ આપેલા સહકારથી શ્રીયાને પોતાનું સપનુ સાકાર કરવાનો રસ્તો મળી ગયો, હવે જરૂર હતી મહેનત અને લક્ષ્ય સિધ્ધ કરવા માટેની ધગશની. ધોરણ ૧૧ અને ૧૨ના અભ્યાસની સાથે જ શ્રીયાએ પાઇલોટની તાલિમ લેવાનું શરૂ કરી દીધું, ભણતર પુરૂ થયું...શ્રીયા ૨૦ વર્ષની થઇ અને પાઇલોટનું લાયસન્સ મેળવી લીધું. એ પછી ૨૦૧૯માં સ્પાઇસ જેટમાં પાઇલોટ તરીકે જોડાઇ ગઇ અને અમદાવાદ સેન્ટરથી ઉડાનો ભરવા માંડી. દેશના અનેક શહેરોમાં તે ફલાઇટ ઓપરેટ કરીને પહોંચી અને સપનુ સાકાર થયાની અનહદ ખુશીથી ઝુમી ઉઠી. પણ ૨૫મી જાન્યુઆરીના રોજ તેની આ ખુશીનો સમુંદર કંઇક જુદો જ ઘૂઘવ્યો હતો...કારણ કે શ્રીયા પહેલી જ વખત પોતાના હોમટાઉન રાજકોટમાં દિલ્હીથી ફલાઇટ ઓપરેટ કરીને પહોંચી હતી.

રાજકોટ ફલાઇટનું ઉતરાણ કરાવી સીધી જ તે બહાર આવી હતી અને માતા જયશ્રીબેનને ભેટી પડી હતી. પહેલી વખત રાજકોટ ફલાઇટ લઇને આવેલી દિકરીને  જોઇ માતા જયશ્રીબેનના આંખમાં હરખના આંસુ હતાં તો શ્રીયાના ચહેરા ગૌરવથી છલોછલ લાગણીઓ હતી. શ્રીયાએ દિકરીઓ-નારીઓને સંદેશો આપતા કહ્યું હતું કે-સપનાઓ સાકાર કરવા થોડુ મેનેજમેન્ટ કરવું પડે છે, નિયમોનું પાલન કરવું પડે છે અને મહેનત પણ કરવી પડે છે. મારુ સપનુ હતું એ મારા મમ્મીના સપોટથી જ પુરૂ થયું છે. હું અહિ છું તો તેમના કારણે જ છું. હું તમામ  માતા પિતાને કહુ છું કે સંતાનોને સપોર્ટ આપો. આજની મહિલાઓને કહીશ કે દ્રઢ નિશ્ચય કરો  અને જે કરવાનું નક્કી કરો એ કરીને જ બતાવો અને સપના સાકાર કરો. શ્રીયાએ એમ પણ કહ્યું હતું કે આ ફિલ્ડમાં કારકિર્દી ઘડવા માટે સરકાર સ્કોલરશીપ પણ આપે છે.

શ્રીયાના માતા જયશ્રીબેને કહ્યું હતું કે-દરેક માતા-પિતાએ દિકરીઓને ટેકો આપવો જોઇએ, એને જે બનવું હોય એ બનવા દો..મારી દિકરીનું સપનુ મેં પુરૂ કર્યુ છે. દિકરીના લગ્નના ખર્ચની ચિંતા કરી તેના ભણતર પર અસર ન પડવા દો, એને કારકિર્દી ઘડવા દો...એને કંઇક બનવા દો....એ જ એનો કરિયાવર છે.

'અકિલા ડિજીટલ'ની ટીમ સમક્ષ રાજકોટની દિકરી શ્રીયા સોરઠીયાએ પોતાની ગૌરવવંતી સફળતાની સફર વર્ણવી હતી. સાથે તેમના મમ્મી જયશ્રીબેન સોરઠીયા પણ જોડાયા હતાં.

  • આભને આંબવાના ફકત વિચારો કરવાથી કંઇ ન વળે, હોય સંકલ્પ મજબૂત અને મહેનતનો સાથ તો સફળતા આપોઆપ કદમ ચુમે

રાજકોટની દિકરી શ્રીયા સોરઠીયાએ ભણતરની સાથોસાથ પોતાનું પાયલોટ બનવાનું સપનુ સાકાર કર્યુ છે અને ૨૦ વર્ષની ઉમરે પાયલોટ બની તે પોતાના સપના સાથે આભને આંબી રહી છે. પોતાની આ સફળતાની સફર દરમિયાન તે પહેલી જ વખત ૨૫ જાન્યુઆરીએ દિલ્હીથી ઉડાન ભરી રાજકોટ એરપોર્ટ પર પહોંચી ત્યારે 'અકિલા ડિજીટલ' સમક્ષ તેણે પોતાના સાકાર થયેલા સપનાની કહાની રજૂ કરી હતી. તસ્વીરમાં શ્રીયા સોરઠીયા અને તેના સપનાને સાકાર કરવામાં ખુબ જ મહત્વની ભુમિકા નિભાવનારા તેના મમ્મી જયશ્રીબેન સોરઠીયા નજરે પડે છે. આ દિકરીએ કહ્યું હતું  કે કોઇપણ કારકિર્દી ઘડવા માટે વિચાર શકિતની સાથે દ્રઢ સંકલ્પશકિત અને અથાક મહેનત જરૂરી હોય છે. પછી સફળતા આપમેળે કદમ ચુમે છે.

-: આલેખન :-

(ભાવેશ કુકડીયા)

-: એન્કર :-

(નિલેષ શિશાંગીયા)

-: કેમેરામેન :-

(સંદિપ બગથરીયા)

(5:43 pm IST)