Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગુરૂવારે ગાંધીજીની ૭૨ મી પૂણ્યતીથી : કબા ગાંધીના ડેલામાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ : રકતપિત રોગ મુકત દર્દીઓને સ્વરોજગારી સાધન સહાય

રાજકોટ તા. ૨૮ : પૂ. મહાત્મા ગાંધીઁની ૭૨ મી પૂણ્યતિથિ નિમિતે તા. ૩૦ ના ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૫.૪૫ સુધી ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે ગાંધીજીના બાલ્યકાળના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલામાં એક સમુહ પ્રાર્થના અને શબ્દાંજલી કાર્યક્રમ યોજેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે મોહનદાસ કરમચંદ ગાંધીને મોહનમાંથી મહાત્મા બનવાના સંસ્કાર જે સ્થાન પરથી મળ્યા તે કબા ગાંધીનો ડેલો એક ઐતિહાસિક સ્થળ છે. ગાંધીજીનું જન્મસ્થાન ભલે સૌરાષ્ટ્રનું પોરબંદર હોય, પણ તેમની સંસ્કારભુમિ તો રાજકોટ જ છે. ગાંધીજીના આ સંસ્કાર વારસાના સ્થળ એટલે કે કબા ગાંધીના ડેલા ખાતે તેમની પૂણ્યતીથીએ રકતપિત નિર્મૂલન સેવાના આજીવન ભેખધારી ડો. કે. એમ. આચાર્યનું વકતવ્ય ગોઠવવામાં આવ્યુ છે. તેઓ 'જીવન અને કવન' વિષય પર વકતવ્ય આપી શબ્દાંજલી અર્પણ કરશે.  આ સાથે મહાત્મા ગાંધીજીને અત્યંત પ્રિય એવા રકતપિત નિર્મૂલન કાર્યક્રમ અનુસાર રકતપિત મુકત દર્દીઓનું સમાજમાં પૂનઃ સ્થાપન કરવા માટે તેઓને સ્વરોજગારીના સાધનો પુરા પાડી સ્વતંત્ર રીતે પોતાના પગ પ રઉભા રહેવાનો છેલ્લા ૧૭ વર્ષથી મહાલક્ષ્મી ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા હસુભાઇ સંઘાણી મેમોરીયલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વખતે ૪ રકતપિત રોગ મુકત દર્દીઓને પુનઃવસન માટે સ્વરોજગારીના સાધનોનું વિતરણ કરાશે. કાર્યક્રમના પ્રમુખ સ્થાને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઇ દેસાઇ ઉપસ્થિત રહેશ. સૌ કોઇએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગાંધીજીને શ્રધ્ધાંજલી પુષ્પાંજલી અર્પણ કરવા ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના પ્રમુખ ઉષાકાન્ત માંકડ અને મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ અનુરોધ કરેલ છે.

પ્રાર્થના સભા અને વકતવ્ય

રાજકોટ : મહાત્મા ગાંધીજીની પૂણ્યતીથી નિમિતે તા. ૩૦ ના ગુરૂવારે કબા ગાંધીના ડેલામાં સાંજે ૪.૩૦ થી ૫.૪૫ શ્રધ્ધાંજલી - શબ્દાંજલી કાર્યક્રમ યોજાશે. ડો. કે. એન. આચાર્યનું વકતવ્ય પણ રાખેલ છે. કાર્યક્રમ દરમિયાન ૪ રકતપિત રોગમુકત દર્દીઓને પૂનઃવસન માટે સ્વરોજગારી સાધનોનું વિતરણ કરાશે.

(3:25 pm IST)