Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

દૂષ્કર્મનો એક કેસ ચાલુ છે, ત્યાં બીજામાં સલવાયો...સગીરાને બે દિ' સુધી ફેરવી...રાત પડ્યે રેસકોર્ષ બગીચામાં ઘુસી દૂષ્કર્મ આચરતો

અપહરણ-બળાત્કારનો આરોપી જીજ્ઞેશ પોલીસને જોઇ તળાવમાં કૂદ્દયો...બે પોલીસમેને છલાંગ લગાવી દબોચ્યો :મુળ વાંકાનેરના ખખાણાનો કોળી શખ્સ લાલપરી તળાવ પાસે ઝાડીમાં છુપાયાની બાતમી કુવાડવાના હેડકોન્સ. હિતેષદાન ગઢવી અને હરેશભાઇ સારદીયાને મળતાં ટીમ ત્યાં પહોંચતા જ જીગાએ ભાગવા માટે તળાવમાં ઠેકડો મારી દીધો, પણ પકડી લેવાયો

રાજકોટ તા. ૨૭: કુવાડવા પંથકના એક ગામની પંદર વર્ષની એક બાળાનું મુળ વાંકાનેરના ખખાણા ગામના અને હાલ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં જીજ્ઞેશ કાળુભાઇ થોરીયા નામના કોળી શખ્સે બાઇકમાં અપહરણ કરી રાજકોટના એક ગાર્ડનમાં બે દિવસ રાખી ત્રણ વખત દૂષ્કર્મ આચરી બાદમાં બાળાને તેના સગાના ઘર નજીક ઉતારીને ભાગી જતાં કુવાડવા પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસો હેઠળ ગુનો નોંધી જીજ્ઞેશની શોધખોળ આદરી હતી. દરમિયાન આ શખ્સ બપોર બાદ લાલપરી તળાવ પાસે ઝાડીમાં છુપાયો હોવાની બાતમી કુવાડવાના હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી અને હરેશભાઇ સારદીયાને મળતાં આ બંને તથા ડી. સ્ટાફની ટીમના મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, દેવેન્દ્રસિંહ, રઘુવીરભાઇ સહિતની ટૂકડી પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમાં ત્યાં પહોંચી હતી. પોલીસ ઝાડીમાં તપાસ કરતી હતી ત્યાં છુપાયેલો જીજ્ઞેશ પોલીસને જોઇ જતાં દોટ મુકી ભાગવા માટે તળાવમાં કૂદી ગયો હતો. પોલીસ પણ પાછળ દોડી હતી. હિતેષભાઇ અને હરેશભાઇ પણ તેની પાછળ તળાવમાં કૂદ્યા હતાં અને તેને દબોચી લીધો હતો.

પોલીસ તપાસમાં જીજ્ઞેશે કબુલ્યું હતું કે તેના પર અગાઉનો એક બળાત્કાર-પોકસોનો કેસ છે જે હાલમાં ચાલુ છે. પોતે જે બાળાને ભગાડી ગયો હતો તેણીને પહેલા પ્રેમજાળમાં ફસાવી બાદમાં રાજકોટ લઇ ગયો હતો. દિવસે ગમે ત્યાં રખડતા રહી રાત પડ્યે રેસકોર્ષના બગીચામાં ઘુસી જતાં હતાં. એ બગીચામાં જ દૂષ્કર્મ આચર્યાનું તેણે રટણ કર્યુ છે. તે ખરેખર સાચુ બોલે છે કે કેમ? તે જાણવા વિશેષ તપાસ થઇ રહી છે. ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. એમ.આર. પરમાર, હિતેષભાઇ, હરેશભાઇ અને ટીમ વધુ તપાસ કરે છે. તસ્વીરમાં ઝડપાયેલો જીજ્ઞેશ થોરીયા પોલીસની ટીમ સાથે જોઇ શકાય છે.

(3:56 pm IST)