Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

કુવાડવા પંથકની બાળાનું નવાગામના જીજ્ઞેશે અપહરણ કરી રાજકોટમાં દૂષ્કર્મ ગુજાર્યુઃ અગાઉ પોકસોમાં સંડોવાયો'તો

બે દિવસ સુધી પોતાને ગાર્ડનમાં રખાયાનું બાળાનું કથનઃ જો કે ગાર્ડનનું નામ જાણતી ન હોઇ પોલીસ તેને સાથે રાખી સ્થળ શોધશેઃ મુળ વાંકાનેરના ખખાણાના કોળી શખ્સને શોધવા પોલીસની દોડધામ

રાજકોટ તા. ૨૭: અપહરણ અને દૂષ્કર્મની એક ઘટનામાં કુવાડવા પંથકના એક ગામની પંદર વર્ષની એક બાળાનું મુળ વાંકાનેરના ખખાણા ગામના જીજ્ઞેશ કાળુભાઇ થોરીયા નામના કોળી શખ્સે બાઇકમાં અપહરણ કરી રાજકોટના એક ગાર્ડમાં બે દિવસ રાખી ત્રણ વખત દૂષ્કર્મ આચરી બાદમાં બાળાને તેના સગાના ઘર નજીક ઉતારીને ભાગી જતાં કુવાડવા પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસો હેઠળ ગુનો નોંધી જીજ્ઞેશની શોધખોળ આદરી છે. અગાઉ પણ આ શખ્સ પોકસોના ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

પોલીસે ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી જીજ્ઞેશ થોરીયા સામે ગુનો દાખલ કર્યો છે. તે મુળ ખખાણાનો વતની છે પણ હાલમાં નવાગામ રંગીલા સોસાયટીમાં રહે છે. ૨૪મીએ તેણીના માતા અને પિતા  દવા લેવા ગયા હતાં. ઘરે દિકરી તથા પોૈત્ર એકલા હતાં. સાંજે પરત ઘરે આવ્યા ત્યારે ૧૫ વર્ષની દિકરી જોવા ન મળતાં વાડીએ તપાસ કરી હતી. ત્યાં પણ મળી નહોતી. ઘર નજીક નવાગામ રંગીલામાં રહેતો જીજ્ઞેશ કોળી અવાર-નવાર આંટાફેરા કરતો જોવા મળ્યો હોઇ તેની તપાસ કરવા જતાં એ જ બાળાને બાઇકમાં બેસાડી લઇ ગયાની ખબર પડી હતી. શોધખોળ કરવા છતાં તે મળી આવી નહોતી.

દરમિયાન ગઇકાલે આ બાળા તેના બહેન-બનેવીના ઘર પાસે પહોંચી હોવાની ખબર પડી હતી. તેણીને પુછતાં પોતાને જીજ્ઞેશ બાઇકમાં લઇ ગયો હોવાનું અને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી ડાબી બાજુ જતાં ગાર્ડનમાં બે દિવસ રાખી હતી અને બળજબરી આચરી હતી. એ પછી તેને બહેનના ઘર પાસે ઉતારીને ભાગી ગયો હતો. પોલીસે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (આઇજેઓ) તથા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

પોલીસે તપાસ કરતાં જીજ્ઞેશ અગાઉ પણ પોકસોના ગુનામાં સંડોવાઇ ચુકયાનું સામે આવ્યું છે. તેને ઝડપી લેવા પી.આઇ. એમ.આર. પરમાર અને ટીમે તપાસ શરૂ કરી છે. ભોગ બનનાર બાળા પોતાને રાજકોટના કયા ગાર્ડનમાં લઇ જવામાં આવી હતી તે જાણતી નથી, તેને પોલીસ સાથે રાખી જગ્યાની શોધખોળ કરશે.

(11:34 am IST)