Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વિજયભાઇ રૂપાણીનાં મુખ્‍યમંત્રી પદે ગુજરાતનાં વિકાસની સાથોસાથ રાજકોટનો વિકાસ હરણફાળ ભરશે : મેયર

રાજકોટ તા.૨૭ : ગઈ કાલે રાજકોટના સપૂત ગુજરાતના મુખ્‍યમંત્રી બનનાર વિજયભાઈ રૂપાણી તથા તેમના મંત્રી મંડળને શુભેચ્‍છા પાઠવતા મેયર ડો.જૈમન ઉપાધ્‍યાય એક યાદીમાં જણાવે છે કે, ગત વિધાનસભામાં ખુબ જ ટૂંકાગાળાના સમય માટે મુખ્‍યમંત્રી તરીકે રહેલ વિજયભાઈ રૂપાણીએ ટી-૨૦ રમી ગુજરાતના વિકાસની સાથે રાજકોટ શહેરને પણ વિકાસના અનેક નજરાણા આપેલ છે. જેમાં ખાસ કરીને ફક્‍ત ૦૭ માસમાં મચ્‍છુ-૧ ડેમથી આજી-૧ ડેમમાં નર્મદાનું અવતરણ કરાવી રાજકોટ શહેરની વર્ષોની પાણીની સમસ્‍યાને ભૂતકાળ બનાવેલ છે. આ ઉપરાંત અદ્યતન બસ પોર્ટ, નવું આધુનિક રેસકોર્ષ-૨, ઇન્‍ટરનેશનલ એરપોર્ટ, કેન્‍સર હોસ્‍પિટલ, સિવિલ હોસ્‍પિટલનું આધુનીકરણ, હયાત ઝનાના હોસ્‍પિટલનું નવું અદ્યતન બિલ્‍ડિંગ બનાવવા સહિતનાં ઝડપી નિર્ણયો કર્યા.

ઉપરાંત ગત ચોમાસા દરમ્‍યાન રાજકોટ શહેરના બિસ્‍માર થયેલ રસ્‍તાઓ ફરીને ડામર પેવરના કરવા રૂપિયા ૨૫ કરોડ જેવી માતબાર રકમ ફાળવેલ અને રાજકોટ મહાનગરપાલિકાએ નવરાત્રી, દિવાળી તહેવારો પહેલા શહેરના તમામ મુખ્‍ય માર્ગો ડામર પેવરના થયા એટલું જ નહીં. રાજય સરકાર દ્વારા મવડી, રૈયા ચોકડી ઓવરબ્રીજ તેમજ અન્‍ય કામો માટે ગ્રાન્‍ટ ફાળવી શહેરના વિકાસને આગળ ધપાવેલ છે. આ ઉપરાંત મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં જકાતદર ગ્રાન્‍ટમાં ૧૦ ટકા જેવો વૃધ્‍ધી દર આપેલ છે. મુખ્‍યમંત્રી તરીકેના ફક્‍ત સવા વર્ષના ગાળામાં ગરીબ વર્ગ તેમજ તમામ વર્ગના લોકોને સ્‍પર્શતા ૪૭૫થી વધુ નિર્ણયો કરી, નિર્ણાયક, સંવેદનશીલ, પારદર્શક, પ્રગતિશીલ સરકાર તરીકે પુરવાર કરેલ છે. ત્‍યારે ફરીને વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી પદે બિરાજતાં તેઓને હૃદય પૂર્વક મેયરશ્રીએ શુભેચ્‍છા પાઠવેલ છે.

(4:11 pm IST)