Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

યુનિવર્સિટી રોડ હરીનગરમાં સમીરભાઇ સોનપાલના મકાનમાં સવા લાખની ચોરી

૨૨ દિવસ પહેલા પરિવાર સાથે કેશોદ મોટા બહેનના ઘરે ભાઇબીજના પ્રસંગમાં ગયા હતા : તસ્કરો ૩૦ હજાર રોકડા અને ઘરેણા ઉઠાવી ગયા

રાજકોટ તા. ૨૭ : યુનિવર્સિટી રોડ પર હરીનગર-૧માં રહેતા યુવાનના મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ. ૧.૨૫ લાખની મત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ હરીનગર-૧માં વિમ્પલ વીલા નામના મકાનમાં રહેતા સમીરભાઇ રમેશભાઇ સોનપાલ (ઉ.૩૯) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે અન્ય ટ્રેડીંગ નામની પેઢીમાં માર્કેટીંગ કરે છે. ગત તા. ૬ના રોજ પરિવાર સાથે કેશોદ રહેતા મોટાબેન રાખીબેન કારીયાના ઘરે ભાઇબીજના પ્રસંગમાં ગયા હતા. બીજા દિવસે પાડોશીએ ફોન કરીને 'તમારું વોશિંગ મશીન બહાર ફળીયામાં વચ્ચે પડેલ છે જેથી પોતે કહેલ કે અમે તેને પૂણામાં રાખેલ હતું અને તેને મુખ્ય દરવાજાને તાળુ મારેલ હતું તે જોવાનું કહેતા તાળુ મારેલ ન હોવાનું જણાવ્યું હતું. બાદ પોતે પરિવાર સાથે તુરંત જ રાજકોટ આવ્યા ત્યારે ઘરના દરવાજાનું તાળુ અને નકુચો તૂટી ગયો હતો. અંદર જોતા બેડરૂમમાં પડેલ કબાટ તૂટેલો અને સામાન વેરવિખેર જોતા ઘરમાં ચોરી થઇ હોવાની ખબર પડી હતી અને તપાસ કરતા સોના-ચાંદીના દાગીના તથા રૂ. ૩૦ હજાર રોકડ મળી રૂ. ૧.૨૫ લાખની મત્તા ગાયબ હતી.'

આ બનાવ અંગે પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને સમીરભાઇ સોનપાલની અરજી લીધી હતી. બાદ ગઇકાલે સમીરભાઇ સોનપાલે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.બી.વોરા સહિતે તપાસ હાથ ધરી છે.

(2:35 pm IST)