Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

માર્કેટ યાર્ડ નજીક 'હિટ એન્ડ રન'માં અજાણ્યા યુવાનનું મોતઃ ભાગી ગયેલી સફેદ કારની શોધખોળ

મૃત્યુ પામનાર શખ્સ લોકો પાસે માત્ર એક રૂપિયો જ માંગતો, હાથમાં છ આંગળીઓ હતીઃ ફેકટરીના સિકયુરીટી ગાર્ડ ભરતસિંહ જાડેજાએ કાર ભાગતી જોઇ, નંબર ન જોઇ શકયા

રાજકોટ તા. ૨૭: માર્કેટ યાર્ડથી અમુલ સર્કલ જતાં રોડ પર કે. એસ. ડિઝલ પ્રા. લિ. નામની ફેકટરી પાસે હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા આશરે ૨૮ થી ૩૦ વર્ષના યુવાનનું મોત નિપજ્યું છે. સફેદ રંગની કાર અકસ્માત સર્જી ભાગી ગઇ હતી.

બનાવ અંગે કે. એસ. ડિઝલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં આનંદનગર કોલોની-૩માં રહેતાં ભરતસિંહ નારૂભા જાડેજા (ઉ.૬૨)એ પોલીસને જાણ કરતાં થોરાળાના પી.એસ.આઇ. જે. જી. ચોૈધરી અને જયદિપસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. ભરતસિંહએ અકસ્માત સર્જી ભાગેલી એક સફેદ કારને જોઇ હતી. જો કે પોતે તેના નંબર જોઇ શકયા નહોતાં. પોલીસે તેમને ફરિયાદી બનાવી ભાગી છૂટેલા કાર ચાલકની શોધખોળ આદરી છે.

આસપાસના લોકોના કહેવા મુજબ મૃતક યુવાન ત્યાં જ અવાર-નવાર લોકો પાસેથી પૈસા માંગતો હતો. જો કે તે માત્ર એક રૂપિયો જ માંગતો હતો. તેના એક હાથમાં છ આંગળીઓ છે. આ સિવાય ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો થોરાળા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(5:20 pm IST)