Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રાજકોટમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ : ઓનલાઈન છેતરપીંડી અને ડમી : એકાઉન્ટ ખોલી મહિલાઓની પજવણી ઉપર લાગશે રોક

રાજકોટ, તા. ૨૭ : આધુનિક યુગમાં નેટ સેવાઓ ઝડપથી વિકસી રહી છે. આર્થિક વ્યવહારો પણ ઓનલાઈન થવા લાગ્યા છે. યુવા વર્ગમાં મોબાઈલ ફોનનો ક્રેઝ ચરમસીમાએ છે ત્યારે સાયબર ગુન્હાઓનું પ્રમાણ પણ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે. આવા ગુન્હાઓને શોધી કાઢવા અને ગુન્હાને અંજામ આપનાર તત્વોને જેલના સળીયા પાછળ ધકેલવાના આશયથી આજથી રાજકોટમાં સાયબર પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યાનું પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીએ જણાવ્યુ હતું.

સાયબર પોલીસ સ્ટેશન પોલીસ કમિશ્નર કચેરી ખાતે જ કાર્યરત રહેશે. આ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન નાણાકીય છેતરપીંડી, પેટીએમના પીન નંબર મેળવી કે કાર્ડ કલોન કરી થતી છેતરપીંડી, ગ્રાહકોના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી લઈ બારોબાર પૈસા ઉપાડી લઈ થતા ગુન્હાઓ તેમજ કોલેજ કન્યાઓ કે યુવતીઓના બોગસ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલી તેમને બદનામ કરતા ફોટો અપલોડ કરવાની ધમકી આપી થતા શોષણ સહિતના ગંભીર મામલાઓની ફરીયાદ આ પોલીસ સ્ટેશનમાં થઈ શકશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પોલીસ સ્ટેશન રાજકોટમાં તુર્તમાં શરૂ કરવા આપેલી સુચના અંતર્ગત સાયબર સેલને તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં તબદીલ કરી નાખવામાં આવ્યુ છે. આ પોલીસ સ્ટેશનમાં મોબાઈલમાંથી ડિલીટ થઈ ગયેલો ડેટા શોધવા યુફેડ સેલીબ્રાઈટનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ સોશ્યલ મીડિયા પર વોચ રાખવા એકસ-૧ સોશ્યલ ડિસ્કવરી સોફટવેરનો ઉપયોગ કરી ઝડપથી ગુન્હાઓ શોધી કાઢવામાં આવશે. આ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તરીકે એસીપી ક્રાઈમ શ્રી જયદીપસિંહ સરવૈયા તથા પોલીસ ઈન્સ્પેકટર તરીકે ડી.એમ. કાતરીયા રહેશે. આ ઉપરાંત ટેકનીકલ એકસપર્ટ એવા વાયરલેસ પોલીસ ઈન્સ્પેકટર એન.એન. ઝાલાની આ પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરવામાં આવી છે.

(4:54 pm IST)