Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ફુલગ્રામના આંગણે સિષ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ શિક્ષિકા એવોર્ડ સમારોહ સંપન્ન

રાજકોટ : સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સંચાલિત સિસ્ટર નિવેદિતા સ્કુલ ઓન વ્હીલ્સ સંલગ્ન ૯૧ શાળાઓમાંથી શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર એક શાળાને તેમજ એક શિક્ષિકા અને શિક્ષકને પસંદ કરી દાનવીર અને શ્રેષ્ઠી જે. વી. શેઠિયા પરિવાર રાજકોટ તથા અશોક ગોંધીયાની સ્મૃતિમાં યંગ મેન્સ ગાંધીઅન એસોસીએશન રાજકોટ પ્રેરિત સિસ્ટર નિવેદીતા એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ નો એવોર્ડ વિતરણ સમારોહ જાણીતા શિક્ષણવિદ્દ અને પ્રગતિશીલ શિક્ષણના તંત્રી ડો. પુરૂષોતમભાઇ પટેલના  અતિથિ વિશેષપદે આ વર્ષે શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફુલગ્રામ, તા. વઢવાણના આંગણે યોજવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફુલગ્રામના આચાર્યશ્રી રમેશભાઇ મકવાણાને આ એવોર્ડ અર્પણ કરાયો હતો. જયારે શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ મોટાવડા પ્રાથમિક શાળા તા. લોધિકાના શ્રીમતી વર્ષાબેન દવેને અપાયો હતો. જયારે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ કમળાપુર તાલુકા શાળા તા. જસદણના આચાર્યશ્રી પ્રશાંતભાઇ જાનીને અર્પણ કરાયો હતો. શ્રેષ્ઠ શાળાને રૂ. ૩૧૦૦૦ અને શ્રેષ્ઠ શિક્ષકોને રૂ. ૨૧૦૦૦ નો ચેક તથા શિલ્ડ અને પુસ્તક સંપુટ મહેમાનોના હસ્તે અપાયેલ. આ તકે ગ્રામીણ બાળકોની સર્જનાત્મકતાના વિકાસાર્થે શ્રીમતી અરૂણાબેન પટેલ તથા સ્વ. હરીતભાઇ પટેલ યુ.એસ.એ.ના આર્થિક સહયોગથી સિસ્ટર નિવેદિતા સ્કુલ ઓન વ્હીલ્સની સંલગ્ન શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ હસ્તલિખિત અંક અને ચિત્રોમાંથી પ્રથમ અગિયાર શ્રેષ્ઠ અંક તૈયાર કરનાર શાળાને અને શ્રેષ્ઠ ચિત્રો તૈયાર કરનાર વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કારો અપાયા હતા. આ ગૌરવપ્રદ સમારોહ દરમિયાન સંસ્થાના સંસ્થાપકો શ્રીમતી ઉષાબેન જાની, ગુલાબભાઇ જાની, સંસ્થાના બળવંતભાઇ દેસાઇ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાના હોદેદારો વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૨)

 

(4:04 pm IST)