Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પીએસઆઇની લૂંટી લેવાયેલી સરકારી પિસ્તોલ બુટલેગર વિજયની પત્નિ રસીલા પાસેથી કબ્જે

એરપોર્ટ પોલીસ, ડીસીબી, એસઓજી અને કુવાડવા પોલીસની ટીમોએ સાથે મળી કામગીરી કરી

રાજકોટ તા. ૨૭: બેડલા ગામે શનિવારે સાંજે એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ સહિતની ટીમ પર હુમલો કરી પીએસઆઇની લોડેડ સરકારી પિસ્તોલ લૂંટી લેવાઇ હતી. આ બનવામાં ધાડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ચાર મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ મુખ્ય સુત્રધાર બુટલેગર વિજય જખાણીયાની પત્નિ પાસેથી પીએસઆઇની સરકારી ગ્લોક પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ કબ્જે કરાયા છે.

ગુનો બન્યા બાદ એરપોર્ટ રોડ પોલીસ, કુવાડવા રોડ પોલીસ, ડીસીબી અને એસઓજીની ટીમો આરોપીઓને ઝડપી લેવા કામે લાગી હતી. પોલીસે બેડલા ગામેથી રસીલા વિજય જખાણીયા, રતન ઉર્ફ વસંત ગોરધન જખાણીયા, સુજા ઉર્ફ ઉજળી બાઘુ જખાણીયા અને જુલ્લા ઉર્ફ જુબેલા ઉર્ફ ગુલાબડી અશ્વિન જખાણીયાને પકડી લીધી હતી. તે પૈકી બુટલેગર વિજયની પત્નિ રસીલા પાસેથી પીએસઆઇની રિવોલ્વર મળી આવતાં કબ્જે કર્યા છે.

આ માલમે આઇપીસી ૩૦૭, ૩૯૭ તથા આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-એ-બી) તથા જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધાયો હતો. બીજા આરોપીઓ વિજય બાઘુભાઇ જખાણીયા, ગોરધન મધુ જખાણીયા, બાઘુ મધુ જખાણીયા અને અશ્વિન બાઘુ જખાણીયા ફરાર હોઇ તેની શોધખોળ ચાલુ છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવ્ણિકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલ, પીઆઇ જી. એમ. હડીયા તથા પીઆઇ એન. એન. ચુડાસમા અને ટીમોના પીએસઆઇ પી. એમ. ધાખડા, એમ. એસ. અંસારી, ટી. બી. પંડ્યા, વી. એમ. રબારી, પી. જી. રોહડીયા, એમ. એન. પાંડાવદરા, પીએસઆઇ ડાંગર સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.

(3:39 pm IST)