Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

શાસકોને ખાડા નથી દેખાતા ! : વિપક્ષની રસ્તા રીપેરીંગ ઝુંબેશ

મેયર અને મ્યુ. કમિશનરને અશોક ડાંગરનો પડકાર 'આવો તમને ખાડા બતાવી' : ભાજપે ખાડા બુરવાની જાહેરાત કરી છે તો બતાવે કયા રસ્તા રીપેર થયા ? મહેશ રાજપૂતનો સણસણતો સવાલ : કોંગ્રેસ પ્રજાની પડખે છે : ભાનુબેન સોરાણી - પ્રદિપ ત્રિવેદી

શહેર કોંગ્રેસે આજે વોર્ડ નં. ૭ના રાજમાર્ગો ખાડામાં રેતી - કપચી નાખી રીપેરીંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭ : શહેર કોંગ્રેસની યાદી જણાવે છે કે, રાજકોટ શહેરમાં મેઘરાજાએ મહેરબાની કરી છે અને સમગ્ર રાજકોટ શહેરના પીવાના પાણીનો પ્રશ્નનો ફકત ૨૪ કલાકમાં જ ઉકેલ આપેલ છે ત્યારે મહાનગરપાલિકા ના તંત્રએ કામગીરી કરવાની થતી હોય તે પ્રમાણે જોઈએ તો રાજકોટ શહેરના મોટાભાગના રોડ-રસ્તા ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફકત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે. ફકત એક જ વરસાદમાં રાજકોટ શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયેલ છે ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવામાં રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડેલ છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરો અભિયાન માં વોર્ડ નં.૭ના કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે મળી શહેર કોંગ્રેસ દ્વારા આજે તા. ૨૭ના કરણસિંહજી ચોકથી લાખાજીરાજ લાયબ્રેરી - કવી નાનાલાલ મેઈન રોડ પરના કોંગ્રેસ દ્વારા ખાડા બુરવામાં આવ્યા હતા.   

આ તકે પ્રમુખ અશોક ડાંગર વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિતના કોંગી આગેવાનોએ આક્ષેપો કર્યા છે કે, શહેરમાં ખાડા ખબડા પડેલ હોય વરસાદ થયા ના આજે ૧૭ દિવસ જેવો સમય વીતી જવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ ખાડા બુરવા નીકળેલ છે. રાજકોટ ના રાજમાર્ગો , મુખ્ય રસ્તાઓ સહિતના બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેના કરતા ગામડા ના રસ્તાઓ પણ સારા હોઈ. ખરાબ રસ્તા ના કારણે લોકો સ્લીપ થઈ જાઈ છે ફેકચર થઈ જાય છે ત્યારે ઓર્થોપેડિક હોસ્પિટલોમાં મણકા ના દુઃખાવાની લાઈનો લાગી છે.

ત્યારે આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો કાર્યકરો સાથે મળી ને શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર ના મુખ્ય માર્ગ કરણસિંહજી ચોક થી લાખાજીરાજ લાયબ્રેરી તરફ જતા રસ્તા પરના ખાડામાં રેતી અને કપચી નાખી ને બુરવામાં આવ્યા હતા જેથી આ ઘોર નિંદ્રામાં સુતેલું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પદાધિકારીઓ હોય કે અધિકારીઓ જાગે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના ખાડા બુરો અભિયાનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ આગેવાન જશવંતસિંહ ભટ્ટી, રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપૂત, એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, વોર્ડ નં.૭ પ્રમુખ કેતનભાઈ જરીયા, ગોપાલભાઈ બોરાણા, પ્રતિક રાઠોડ, નારાયણભાઈ હીરપરા, સુરેશભાઈ ગરૈયા, સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી ખાડા બુરો અભિયાન વોર્ડ નં.૭ ખાતે કરવામાં આવેલ હતું તેવું રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું.

(3:22 pm IST)