Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

દિવસે કડીયા કામ અને રાતે ચોરીઓ કરતાં...ઓરિસ્સાના ત્રણ શખ્સને પ્ર.નગર પોલીસે પકડ્યાઃ બે ભેદ ખુલ્યા

જ્યાં કામ કરતાં તેની આજુબાજુના મકાનોમાં જ રેકી કરી બાદમાં હાથફેરો કરી આવતાં : રોકડ-દાગીના-તાળા તોડવાના સળીયા કબ્જેઃ હાલ રેલનગરની અમૃત સરોવર રેસિડેન્સી પાસે સાઇટ પર રહેતા'તા : પીએસઆઇ કે. ડી. પટેલ, યુવરાજસિંહ જાડેજાની બાતમીઃ પીઆઇ એલ.એલ. ચાવડા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૬: દિવસે કડીયા કામની સાઇટ પર મજૂરી કરી રાતે આસપાસના બંધ મકાનોના તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતાં ઓરિસ્સાના ત્રણ શખ્સોને પ્ર.નગર પોલીસે દબોચી લેતાં બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે.

રેલનગર મહર્ષી અરવિંદ ટાઉનશીપની પાછળના ભાગે અમૃત સરોવર રેસિડેન્સીમાં એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલુ હોઇ અહિ કામ કરતાં અને રહેતાં ઓરિસ્સાના શખ્સો ચોરી કરતાં હોવાની ચોક્કસ બાતમી પ્ર.નગર પીએસઆઇ કે. ડી. પટેલ અને યુવરાજસિંહ જાડેજાને મળતાં ત્રણ શખ્સો પબિત્ર ઉર્ફ પવિત્ર અકિલ નાગ (ઉ.૩૦-રહે. મુળ શિશકેલા તા. શોઇતોલા જી. બલાગીર-ઓરિસ્સા), અજય ગજીન નાગ (ઉ.૪૦-મુળ ઓરિસ્સા), ગોરધન ઉર્ફ પિન્ટૂ નિત્યાનંદ પાત્ર (ઉ.૨૫-રહે. મુળ ઓરિસ્સા હાલ રેલનગર)ને સકંજામાં લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ પ્ર.નગર વિસ્તારમાં બે મકાનમાં થયેલી ચોરીની કબુલાત આપી હતી. વિશેષ પુછતાછ થતાં ચોરેલી રકમમાંથી ૧૭ હજારના સોનાના દાગીના, ૩૫હજારની રોકડ તથા બીજા ગુનાના રૂ. ૧૫ હજાર રોકડા કાઢી આપતાં આ મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

આ ત્રણેય જે વિસ્તારમાં બાંધકામની સાઇટ ચાલુ હોય ત્યાં મજૂરીએ રહી જતાં હતાં અને આસપાસના બંધ મકાનોની રેકી કરી લઇ રાત્રીના સમયે વંડી ઠેંકી સળીયા-ગણેશીયાથી તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. આજુબાજુના દરવાજા જો અંદરથી બંધ હોય તો બહારથી આગળીયો મારી દેવાની પણ ટેવ ધરાવે છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એલ.એલ. ચાવડા,ં પીએસઆઇ કે. ડી. પટેલ, એએસઆઇ એસ.આર. જોગરાણા, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, હેડ વિજયરાજસિંહ જાડેજા, જનકભાઇ કુગશીયા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ સહિતે આ કામગીરી કરી હતી.

(1:09 pm IST)