Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સિવિલ હોસ્પિટલમાં અંગદાન, ચક્ષુદાન, રકતદાનની જેમ હવે ચામડીનું દાન પણ થઇ શકશેઃ મનિષ મહેતા

સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં રાજ્યની પ્રથમ સ્કીન બેંકનો આરંભઃ ડીન ગોૈરવી ધ્રુવ : પચાસ ટકાથી વધુ દાઝેલા દર્દીઓ માટે મૃત વ્યકિતની ચામડીનું તેના સ્વજનો દાન કરી શકશેઃ દાન કરાયેલી ચામડી પાંચ વર્ષ સુધી સાચવી શકાશેઃ રોટરી કલબ ઓફ રાજકોટે ૫૦ લાખના ખર્ચે સ્કીન બેંક અર્પણ કરી

રાજકોટઃ પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી રકતદાન, ચક્ષુદાન અને અંગદાન થતું આવ્યું છે. હવે ચામડીનું દાન પણ થઇ શકશે. પચાસ ટકાથી વધુ દાઝેલા લોકો કે જે સિવિલના બર્ન્સ વોર્ડમાં દાખલ હોય તેના માટે કોઇપણ મૃતક વ્યકિતની ચામડીનું દાન તેમના સ્વજનો કરી શકશે. આ માટે રોટરી કલબ ઓફ રાજકોટ તરફથી સિવિલ હોસ્પિટલને ૫૦ લાખના ખર્ચે મશીનરી મળતાં ગત સાંજે સિવિલના બર્ન્સ વોર્ડમાં સ્કીન બેંકનો રિબીન કાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં આ સોૈ પ્રથમ સુવિધા રાજકોટ સિવિલ હોસ્પિટલને મળી છે. મૃત લોકોના હાથ-પગ, પેટ, સાથળ અને પીઠ પરની ચામડીનું દાન થઇ શકે છે. મૃત્યુ પછીના ચારથી છ કલાકમાં ચામડીનું દાન કરી દેવું જરૂરી હોય છે. ચામડીના પડને અડતાલીસ કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. પીલીંગ જેવા સાધનથી મૃત વ્યકિતના અંગો પરથી ત્રણ ઇંચની ચામડીનું પડ લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં લોહી નીકળતું નથી. એચઆઇવી, હિપેટાઇટીસ બી-સી કે ચામડીનો કોઇ રોગ ન હોય તેવા પંદર વર્ષથી વધુ વયના કોઇપણ લોકો સ્કીન ડોનેટ કરી શકે છે. સ્કીન ડોનેટ માટે બ્લડ ગ્રુપ ચેક કરવાની પણ કોઇ જરૂર હોતી નથી.   હાલ સ્કીન બેંક શરૂ થઇ જતાં માઇક્રોલોજીસ્ટ, પ્લાસ્ટીક સર્જનો દ્વારા ટેકનીશિયનોને તાલિમ આપવામાં આવી રહી છે. ટુંક સમયમાં જ દર્દીઓને સ્કીન બેંકનો લાભ મળતો થઇ જશે. ઉદ્દઘાટન પ્રસંગે રોટરી કલબના પ્રમુખ ડો. હીતા મહેતા, ડો. સુખવાન, ડીન ગોૈરવી ધ્રુવ, તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા તથા બીજા તબિબો, બર્ન્સ વોર્ડ અને ચામડી વિભાગના તબિબો અને સ્ટાફ હાજર રહ્યો હતો. તસ્વીરમાં રિબીન કાપવામાં આવી તે દ્રશ્ય, સ્કીન બેંકનું મશીન તથા મશીનનું નિદર્શન કરતાં નિષ્ણાંત (ઇન્સેટ) જોઇ શકાય છે. ડીન ગોૈરવી ધ્રુવે કહ્યું હતું કે રાજ્યની પ્રથમ સ્કીન બેંક સિવિલ હોસ્પિટલને મળી તે દાઝેલા દર્દીઓને ખુબ ઉપયોગી થશે. અધિક્ષક ડો. મનિષ મહેતાએ નગરજનોને રકતદાન, ચક્ષુદાન, અંગદાન પછી હવે દાઝેલા દર્દીઓના લાભાર્થે સ્કીનનું દાન કરવા પણ જાગૃત થવા અપીલ કરી હતી.

(3:35 pm IST)