Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નવરાત્રીના સંચાલકોને રાત્રે ૧૨ વાગ્યે લાઉડ સ્પીકર બંધ કરી દેવા આદેશ

સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવાશેઃ સાંજથી જ ગરબાના આયોજનો શરૂ કરી રંગેચંગે સમયસર આટોપી લેઃ પોલીસ કમિશનર સંદિપ સિંહ

રાજકોટ તા. ૨૬: ત્રણ દિવસ બાદ ૨૯મીએ રવિવારથી શરૂ થઇ રહેલા નવરાત્રી પર્વની ઉજવણી શાંતિમય રીતે આનંદ ઉલ્લાસથી થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પ્રાચીન-અર્વાચીન ગરબાના આયોજન સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ કમિશનર સંદિપ સિંહે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રીની ઉજવણી નિયમો પાળીને કરવાની રહેશે. સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ રાત્રીના બાર વાગ્યે તમામ આયોજકોએ લાઉડ સ્પીકર બંધ કરી આયોજનો આટોપી લેવા ફરજીયાત છે.

આયોજકોને આ માટે અગાઉથી જ ખાસ સુચનો પોલીસ તંત્ર તરફથી કરવામાં આવ્યા છે. ગરબા સ્થળે સીસીટીવી કેમેરા, મેટલ ડિટેકટર અને ખાનગી સિકયુરીટી પણ રાખવા જણાવાયું છે. જે તે પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગરબાના આયોજનોની થાણા ઇન્ચાર્જને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ અને એસઓજી સહિતનો મહત્વની બ્રાંચો પણ સતત પેટ્રોલીંગ કરી પર્વની ઉજવણી આનંદભેર અને શાંતિભર્યા માહોલમાં થાય તે માટે સતર્ક રહેશે.

અર્વાચીન રાસોત્સવ માટે જો સમય ઓછો પડતો હોય તો આવા આયોજનોમાં ગરબા વહેલી સાંજથી જ શરૂ કરી દઇ રાત્રે બાર વાગ્યે આટોપી લઇ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. નોંધનીય છે કે જુનાગઢ પોલીસ તંત્રએ રાત્રીના ૧૨ પછી જો નવરાત્રીના આયોજનોમાં લાઉડ સ્પીકર વાગતા હોય તો તેની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન દિઠ અધિકારીના ફોન નંબરની યાદી પણ જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં દર વર્ષે જો કે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન નં. ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ ઉપર  ફરિયાદોનો મારો થતો જ હોય છે.

(3:19 pm IST)