Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ શ્રી ગિરીશચંદ્ગજી મ.સા.ની ત્રીજી પૂણ્યતિથિએ જીવન ઝાંખી

પૂ.ગુરુદેવે ૬૩ વર્ષના સંયમ જીવનમાં લાખો કિ.મી.નો વિહાર કરી ગોંડલ ગચ્છ અને જિન શાસનનું નામ ઉજ્જવળ કરેલ : ભૂપતભાઈ ગોમટાથી ગોંડલ, ગિરીશમુનિ મ.સા.,ગચ્છ દીવાકર અને અંતે ગોંડલ ગચ્છના ગાદિપતિ બનેલ

   જન્મ ભૂમિ ગોમટા : સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો,મહંતો અને શૂરવીરોની ભાતીગળ ભૂમિ. આ ભૂમિને અનેકોનેક મહાપુરુષોએ પવિત્ર અને પાવન કરી ઉજાગર કરેલ છે.આવી જ એક પૂણ્ય ભૂમિ ઉપર એટલે કે ગોંડલથી નજીક ખોબા જેવડા ગોમટા ગામમાં વિ.સં.૧૯૮૪ ચૈત્ર કૃષ્ણ પક્ષની દશમીના શુભ દિવસે રત્નકુક્ષિણી ધર્મ વત્સલા માતા જમકુબેનની કૂખે એક બાળકનું અવતરણ થતાં જ ધર્મ પરાયણ પિતા મણીભાઈ શેઠ પરિવારમાં કયાંય હરખ સમાતો ન હતો.શેઠ પરિવારમાં જન્મેલ આ પાંચમા પુત્ર રત્નનું નામ '' ભૂપત '' રાખવામાં આવ્યું. ' ભૂ ' એટલે પૃથ્વી અને ' પત ' એટલે સ્વામી.આ બાળક એકદમ દર્શનીય લાગતો હતો.પુત્ર ના લક્ષણ પારણામાં એ કહેવત અનુસાર આ બાલૂડો જે આવે તેને જોયા જ કરે અને હસ્યાં કરે.જમકુ માતાને કયાં ખબર હતી કે મારી આંખનુ રતન સમાજની કેટલીય માતાના આંખના રતનને ઉછેરવાનો છે.અરે ! હજારો આત્માઓને મહાવીરનો માર્ગ સમજાવવાનો છે.

  કાલી ઘેલી ભાષા બોલતાં નાના બાલૂડા ભૂપતને ગોમટાની પ્રાથમિક શાળામાં ભણવા બેસાડ્યો ,પરંતુ ભૂપતને ભણતર સાથે બાર નહીં બાવીસ ગાઉનું છેટુ હતું. 

 સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણનું ગોંડલમાં મંગલ પદાર્પણ થયું. નાનો બાલૂડો ભૂપત પણ બધાની સાથે દર્શને ગયો. હીરાને તો ઝવેરી જ પારખે તે ઉકિત અનુસાર પ્રાણગુરુએ હીરા જેવા ભૂપતને પારખી લીધો અને અનિમેષ દ્રષ્ટિથી તેને જોતાં જ રહ્યાં. ભૂપત પણ પૂ.ગુરુદેવના જીવન અને વિચારોથી પ્રભાવિત થયો.ધીરે ધીરે ભૂપતનના આત્માને વૈરાગ્ય નો રંગ ચડવા લાગ્યો. પૂ.જયંતિલાલજી મ.સા.ની દીક્ષાના પ્રેરક પ્રસંગો સાંભળી ભૂપતભાઈના મનમાં વૈરાગ્યના બીજ રોપાયા કે મારે પણ એક'દિ મહાવીરના માર્ગે પ્રયાણ કરવું છે.તપોધની પૂ.રતિલાલજી મ.સા.ના જીવન કવનથી એમની વૈરાગ્યની ભાવનાને પ્રેરક બળ મળ્યું.

 પરિવારે કસોટી જરુર કરી પરંતુ સંયમ માર્ગમા અંતરાયરૂપ ન બન્યાં. પરિવારજનોએ સહર્ષ સંમતિ આપી વ્હાલ સોયા વૈરાગી ભૂપતને ગુરુના ચરણે સોંપી દિધો.

 શાસ્ત્રોના અભ્યાસર્થે પૂ.જગજીવનજી મ.સા.એવમ્ પૂ.જયંતિલાલજી મ.સા.વિ.સં.૨૦૦૪ માં આગ્રા ચાતુર્માસ કર્યુ. ત્યારબાદ બનારસ, વારાણસી, કાશી તરફ વિચરણ કર્યું.વૈરાગી ભૂપતભાઈ પણ ગુરુવર્યોના પાવન સાનિધ્યમાં ગુરુવર્યોની સમીપે રહી તેઓની પાસેથી તત્વનો ગહન અભ્યાસ કર્યો.

 કોલકત્તા સંઘની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરી પૂ.ગુરુદેવ જગજીવનજી મ.સા.એવમ. પૂ.જયંતિલાલજી મ.સા.ચાતુર્માસાર્થે પધાર્યા. કોલકત્તા સંઘે એવી લાગણી સાથે માગણી વ્યકત કરી કે આદર્શ વૈરાગી મુમુક્ષુ ભુપતભાઈની દીક્ષા પણ કોલકતા સંઘમાં ભકિત ભાવે ઉજવાય. સંઘના સવાયા સદ્ ભાગ્યે ગુરુવર્યોએ વિનંતીનો સ્વીકાર કર્યો.તા.૨૬/૧૧/૧૯૫૨ માગસર સુદ દશમના શુભ દિવસે મુમુક્ષુ ભુપતભાઈનો ભવ્યાતિભવ્ય સંયમ મહોત્સવ ઉજવાયો. હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પૂ.જયંતિલાલજી મ.સાહેબે દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ ભણાવતાં જ દેવોને દૂર્લભ એવા પંચ મહાવ્રતને અંગીકાર કરી ઝૂમી ઉઠેલ.પૂ.ગુરુદેવે નૂતન દીક્ષિતનું નામ પૂ.ગિરીશચંદ્ગજી મ.સા.ની ઉદઘોષણા કરતાં જ ઉપસ્થિત હજારો ભાવિકોએ પ્રચંડ જયઘોષથી કોલકતા ગજવી દિધેલ.

 તેઓએ અનેક ધાર્મિક પ્રેરક પુસ્તકોનું સુંદર આલેખન કરી સમાજને અર્પણ કરી ઉમદા કાર્ય કરેલ છે. તા.૯/૨/૧૪ ના રોજ ઘાટકોપર મુકામે પૂ.નમ્રમુનિ મ.સા.સમીપે ૯ મુમુક્ષુ આત્માઓના ઐતિહાસિક સંયમ મહોત્સવ મધ્યે પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સાહેબે પોતાના શ્રી મુખેથી હજારો ભાવિકો અને ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ.ગિરીશચંદ્ગજી મ.સા.ને ગોંડલ ગચ્છના ગાદીપતિ તરીકે ઘોષણા પત્રનું વાંચન કરતાં જ હર્ષોલ્લાસ છવાઈ ગયેલ.તા.૧૪/૫/૧૪ ના દિવસે ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલની પૂણ્ય ભૂમિ ઉપર વિધીવત રીતે પૂ.ગુરુદેવ ગિરીશચંદ્ગજી મ.સા.ને ગાદીપતિ તરીકે આરૂઢ કરી ભવ્યાતિભવ્ય ધર્મોત્સવ ઉજવવામાં આવેલ.  

ધર્માનુરાગી જગદીશભાઈ શેઠે જણાવ્યું કે રાજકોટ શેઠ ઉપાશ્રયમાં તા.૧/૭/૧૫ ના રોજ સાંજના પ્રતિક્રમણ સમયે સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે પૂ.ગુરુદેવ ગિરીશચંદ્ગજી મ.સા.૮૯ વર્ષના માનવ જીવનમાં છ દાયકા ઉપરાંતનું સંયમ જીવનનું પાલન અને સ્વ - પરનું કલ્યાણ કરી કાળધર્મ પામી દેવલોકગમન કરેલ.

પૂ.સુશાંતમુનિ મ.સાહેબે પૂ.ગુરુદેવ ગિરીશચંદ્ગજી મ.સા.ની અજોડ સેવા - વૈયાવચ્ચ કરેલ. તેમ મનોજ ડેલીવાળા, રાજકોટમો.(૯૮૨૪૧૧૪૪૩૯) એ જણાવેેલ

(4:19 pm IST)