Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોલેજના કર્મચારીનો પગાર કપાશે તો યુનિવર્સિટી જોડાણ રદઃ સિન્ડીકેટમાં સર્વાનુમતે ઠરાવ પસાર

કોન્વોકેશન હોલમાં કોઇ ગેરરીતિ થઇ નથી : કોંગ્રેસના વિરોધ વચ્ચે ઠરાવ પસાર થયો

રાજકોટ, તા.,૨૭:  દેશભરમાં કોવીડ-૧૯ની ગંભીર મહામારી સામે દેશ લડી રહયો છે ત્યારે કેટલીક કંપની કે સંસ્થાઓ દ્વારા તેમના કર્મચારીઓનો પગાર કટ કરવો, જમા રાખવો કે કર્મચારીઓને છુટા કરી દેવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી જાય છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ  કર્મચારીઓના હિતમાં મહત્વપુર્ણ નિર્ણય લઇ નવો રાહ ચિંધ્યો છે. આ નિર્ણયથી કર્મચારીઓ વર્ગમાં ખુબ રાહતની લાગણી પ્રવર્તે છે.

તાજેતરમાં ભાજપના વરિષ્ઠ સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલએ અખબારોના માધ્યમથી કોલેજોના સંચાલકોને તેઓને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓનો પગાર હાલની સ્થિતિમાં ન કાપવો કે જમા ન રાખવો તેમજ કર્મચારીઓને છુટા ન કરવા તેવી આગ્રહભરી અપીલ કરી હતી.

આજે સીન્ડીકેટની મળેલી બેઠકમાં સર્વાનુમતે એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી એક પણ કોલેજ તેના કર્મચારીઓનો પગાર કાપવો કે જમા લેવો કે કોઇ કર્મચારીઓને છુટા કરવાની ઘટના પ્રકાશમાં આવશે અને તેમાં સત્યતા જણાયા બાદ જે તે કોલેજનું જોડાણ રદ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટના આ ઠરાવથી તમામ કર્મચારીઓને હૈયે ધરપત આવી છે. અને સુરક્ષીત હોવાનું અનુભવી રહયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બની રહેલા  કોન્વોકેશન હોલની ગેરરીતીમાં જવાબદાર  વ્યકિતની જવાબદારી નક્કી કરવાની હતી. આ પ્રશ્ન આવતા જ સીન્ડીકેટમાં અગાઉ કયારેય પ્રકાશમાં ન આવેલી અનેક હકિકતો રજુ કરવામાં આવી હતી. જેમાં કોન્વોકેશન હોલની મીનીસ્ટ બુક, એસ્ટેટ કમીટી, ફાયનાન્સ કમીટી, સહીતની અનેક પ્રક્રિયાઓ પસાર કરી છે. અગાઉ હિસાબ સમીતીના સભ્યએ કોઇ ગેરરીતી ન હોવાની વાત કરી હતી તેનો વિડીયો રજુ કરી કોન્વોકેશન હોલમાં કોઇ ગેરરીતી થઇ ન હોવાનું ઠરાવવામાં આવ્યું છે . કોંગ્રેસના બે સભ્યો વિરોધ વચ્ચે સર્વાનુમતે કોઇ પગલા ન લેવાનું નક્કી થયાનંૂ જાણવા મળે છે.

(3:31 pm IST)