Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

દુકાન ખાલી કરાવવા મકાન માલિકે કરેલ અપીલ નામંજુર કરતી કોર્ટ

રાજકોટ, તા. ૨૭ :. મકાન માલિકે દુકાન ખાલી કરાવવા કરેલ અપીલ જિલ્લા અદાલતે નામંજુર કરેલ છે.

રાજકોટના રહીશ હિતેન્દ્રભાઈ ઝવેરચંદભાઈ પાટડીયા ઠે. પ્રહલાદ પ્લોટ-૧ કોર્નર, દિગ્વીજય મેઈન રોડ, રાજકોટનાએ તેના ભાડુઆત અતુલભાઈ સી. ગોહેલ, અંકુર મેનસ વેર, દિગ્વીજય મેઈન રોડ, રાજકોટના સામે રાજકોટ જિલ્લા અદાલતમાં દાખલ કરેલ અપીલ નામંજુર થયેલ છે.

મુળ દાવાની વિગતો મુજબ મકાન માલિક હિતેન્દ્રભાઈ પાટડીયાએ ભાડુઆત અતુલભાઈ સી. ગોહેલ સામે રાજકોટ સ્મોલ કોઝ કોર્ટમાં ભાડાવાળી મિલ્કતનો ખાલી કબ્જો મેળવવા દાવો-દાખલ કરેલ. જે દાવાની વિગતો મુજબ વાદી હિતેન્દ્રભાઈએ દાવાવાળી મિલ્કત પ્રતિવાદીના કાકા હસમુખભાઈ ઉર્ફે બચુભાઈ હરજીવનભાઈ ગોહેલ પાસેથી ભાડાવાળી દુકાન સહિતનું સમગ્ર મકાન ખરીદેલ હતું. દુકાન ખાલી કરાવવા અપીલ કરી હતી.

ભાડુઆત અતુલભાઈ પાસેથી મિલ્કત ખાલી કરાવવા પ્રયાસ કરતા ભાડુઆતે પોલીસમાં ફરીયાદ કરેલ, જેથી મકાન માલિક હિતેન્દ્રભાઈ પાટડીયાએ રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરેલ જે દાવામાં બન્ને પક્ષકારે વિગતવાર પુરાવો તથા જુબાનીઓ રજુ રાખેલ તે ધ્યાને લઈ નીચેની અદાલતે મકાન માલિક હિતેન્દ્રભાઈ પાટડીયા દ્વારા દાખલ કરવામાં આવેલ દાવો નામંજુર કરેલ. જે હુકમ સામે મકાન માલિકએ રાજકોટ કોર્ટમાં અપીલ દાખલ કરેલ. જેમાં નામદાર કોર્ટએ ઠરાવેલ છે કે તા. ૧-૧-૯૯થી ભાડુ ચડત હતું તેવુ પુરવાર કરવામાં વાદી નિષ્ફળ રહેલ છે. તેમજ વાદી દ્વારા પાઠવવામાં આવેલ નોટીસ અનુસંધાને પાઠવેલ પ્રત્યુત્તર સાથે ભાડુઆતે ભાડુ મોકલાવેલ તે મકાન માલિકે સ્વીકારેલ નથી. દાવાની પ્રથમ મુદત ભાડુઆતે ભાડુ કોર્ટમાં જમા કરાવેલ છે. જેથી પ્રતિવાદી ભાડુત ભાડુ ચુકવવામાં બેદરકાર રહેલ છે તેવુ કહી શકાય નહીં.

વિશેષમાં નામદાર જિલ્લા અદાલતે ઠરાવેલ છે કે ભાડાવાળી મિલ્કતમાં ભાડુઆત વર્ષોથી ધંધો કરે છે અને તેના જીવનનિર્વાહનંુ સાધન છે અને તેની સામે મકાન માલિકનો પુત્ર મોટો થયો હોય, ધંધોનો વિસ્તાર કરવા ભાડાવાળી મિલ્કતની જરૂર છે. તેવું બતાવવાથી તે બોનાવાઈડ રીકવાયરમેન્ટની વ્યાખ્યામાં આવતુ નથી. જેથી નીચેની અદાલતે વાદી-મકાન માલિક હિતેન્દ્રભાઈ પાટડીયાનો દાવો યોગ્ય રીતે રદ કરેલ હોય, અપીલ કોર્ટ તેમા કોઈ ફેરફાર કરવાનું ઉચીત માનતી નથી તેમ ઠરાવી, મકાન માલિક દ્વારા કરવામાં આવેલ અપીલ નામંજુર કરેલ છે.

આ કામમાં વાદી અતુલભાઈ સી. ગોહેલ - ભાડુઆતના એડવોકેટ દરજ્જે કાનૂની કાર્યવાહીમાં વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ તથા વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

ફલેટનો કબ્જો ખાલી કરાવવાનો સીવીલ કોર્ટમાં દાવો

આ કેસની વિગત એવી છે કે, આ કામના વાદી શ્રી રસીકલાલ તરશીભાઈ પીપરીયા રહે. 'દેવ' સોમનાથ-૩, શેરી નં. ૪, રૈયા ટેલીફોન એકસચેન્જ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટવાળાએ રાજકોટ શહેરમાં સરકીટ હાઉસ પાછળ આવેલ કાશી વિશ્વનાથ પ્લોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ આરતી એપાર્ટમેન્ટના બીજા માળે આવેલ ફલેટ નં. ૨૧૪ રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી આ કામના પ્રતિવાદી શ્રી નયનકુમાર વલ્લભદાસ પટેલ રહે. ફલેટ નં. ૨૧૪, આરતી એપાર્ટમેન્ટ કાશી વિશ્વનાથ પ્લોટ, સરકીટ હાઉસ પાછળ, રાજકોટના પાસેથી ઓનરશીપ એકટ હેઠળ ખરીદ કરેલ.

આમ જ્યારે પ્રતિવાદીએ સદરહું ફલેટ વેચાણ કરેલ ત્યારે આ કામના વાદીને એવું કહેલુ કે આ ફલેટ અમો થોડાક સમયમાં ખાલી કરી આપીશું અને બન્ને એકબીજા ઓળખતા હોવાથી સંબંધના નાતે વાદીએ થોડાક સમય માટે રહેવાની મંજુરી આપી પરંતુ ત્યાર બાદ વારંવાર ખાલી કરવાનું કહેતા આ કામના પ્રતિવાદી ફલેટ ખાલી કરતા ન હતા. તેથી વાદીએ તેના વકીલ મારફત ત્રીસ દિવસમાં ફલેટ ખાલી કરી આપવાની કાનૂની નોટીસ મોકલાવેલી. જે નોટીસ આ કામના પ્રતિવાદીએ જાણી જોઈને સ્વીકારવાની ના પાડતા રીફયુઝના શુરા સાથે પરત ફરેલ. આમ વાદી એ ખરીદ કરેલ ફલેટનો દસ્તાવેજ થઈ ગયો હોવા છતા પ્રતિવાદી કોઈપણ રીતે કબ્જો ન આપતા આ કામના વાદીએ ધી સ્પેશીફીક રીલીફ એકટની કલમ-૫, મુજબ કબ્જો ખાલી કરાવી પરત મેળવવા અંગેનો સીવીલ પ્રોસીજર કોડની જોગવાઈ હેઠળ રાજકોટના સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટમાં દાવો દાખલ કરેલો. જેમા પ્રતિવાદી નયનકુમાર પટેલને દિવસ ૩૦માં હાજર થઈ દાવાનો જવાબ આપવાની નોટીસ ઈસ્યુ કરેલ છે. આ કામમાં દાવો દાખલ કરનાર વાદી તરફે રાજકોટના યુવાન વકીલ શ્રી અતુલ સી. ફળદુ તથા કૌશિક આર. ભંડેરી રોકાયેલા છે.

(3:40 pm IST)