Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભાડલા પાસે કુંદણી ગામના પુરૂષોતમભાઇ જમરીયા પર ધારીયા અને ધોકાથી સાત શખ્સોનો હુમલો

વાવેતરમાં વાહનોના ટાયરના ચીલા અંગે પુછતા તુટી પડયાઃ શાંતુભાઇ બસીયાએ બંદુકના બટથી માર માર્યો : વિંછીયાના છાસીયા ગામની સીમમાં જમીનની તકરારમાં સવિતાબેન કોળી પર ૪ શખ્સોનો પાઇપથી હુમલો

રાજકોટ, તા., ર૭: ભાડલાના બરવાળા ગામની સીમમાં નજીવી બાબતે બ્રાહ્મણ પ્રૌઢ પર સાત શખ્સોએ ધારીયા અને ધોકાથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બરવાળાની સીમમાં ભુતનાથ મહાદેવ મંદિરની ખેતીની જમીન વાવતા પુરૂષોતમભાઇ લક્ષ્મણભાઇ જમરીયા (બ્રાહ્મણ) (ઉ.વ.૪પ, રહે. હાલ કુંદણી, ભુતનાથ મહાદેવ મંદિર)પર હરેશ બાબભાઇ બસીયા, બાબભાઇ લખુભાઇ બસીયા, રવી રાજુભાઇ વ્યાસ, મુન્નાભાઇ બાબભાઇ બસીયા, શાંતુભાઇ લખુભાઇ બસીયા (રહે. બધા કુંદણી) તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી અલગ-અલગ બાઇક પર આવી ધારીયા, ધોકા અને લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અન્ય એકને પણ ઇજા થઇ હતી.

મંદિરની ખેતીની જમીનના વાવેતરમાં કોઇ વાહનો ચલાવતા અને આ વાહનના ટાયરના ચીલા અંગે પુરૂષોતમભાઇ લક્ષ્મણભાઇ જમરીયાએ બાબભાઇ બસીયાને પુછતા તેઓએ ખાર રાખી હુમલો કર્યો હતો. તેમજ શાંતુભાઇ બસીયાએ બંદુકના બટથી માર માર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત પુરૂષોતમભાઇએ ઉકત સાતેય શખ્સોસામે ફરીયાદ કરતા પીએસઆઇ વી.એમ. કોલાદ્રાએ તપાસ હાથ ધરી છે.

બીજા એક બનાવમાં વિંછીયાના છાસીયા ગામની સીમમાં સવિતાબેન રાઘવભાઇ કોળી  (રહે. છાસીયા) પર તે જ ગામના જેન્તી મનજી ચૌહાણ, મનજી સવાભાઇ ચૌહાણ, બુધ્ધા હરજી મીઠાપરા તથા મધુબેન મનજીભાઇ ચૌહાણ લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત તેના ખેતરમાં હતા ત્યારે આરોપીઓએ તું આ ખેતરમાં શું કામ આવી? આ ખેતર અમારે ભાગમાં લઇ લેવું છે તેમ કહી માર માર્યો હતો. આ અંગે ઉકત ચારેય શખ્સો સામે ફરીયાદ થતા વિંછીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:31 pm IST)