Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

આવતીકાલે રાજકોટમાં ટોક શો

ગુજરાત ઈનોવેશન સોસાયટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના કેમ્પસમાં આયોજન : કર્ણાટકના મહિલા આઈપીએસ અધિકારી રૂપા મોડગીલ અને ટાટા મોટર્સના ચીફ ઓપરેશન્સ ઓફીસર ડો.અમિત ભિન્ગુર્ડેના વકતવ્ય

રાજકોટ, તા. ૨૭ : દેશ તથા સમાજને સધ્ધર તથા શકિતશાળી બનાવતા નવીનતા સભર પ્રયોગો લોકો સમક્ષ મુકવાના હેતુથી કાર્યરત ''ગુજરાત ઇનોવેશન સોસાયટી (GIS)''ના ઉપક્રમે વિવિધ સ્થળો ઉપર ''ટોક શો''ના આયોજનો કરવામાં આવે છે.જે અંતર્ગત ૨૮ જુન ૨૦૧૯ શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સવારે ૧૦:૩૦ થી ૧ વાગ્યા સુધી 'આઈ- ટોક' નું આયોજન કરાયું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.નીતિનકુમાર પેથાણી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.નવીન શેઠ ઉપસ્થિત રહેશે.

આ 'આઈ- ટોક' અંતર્ગત દેશમાં જુદા જુદા ક્ષેત્રો જેવા કે હવા,પાણી,ખોરાક,ખેતીવાડી,  એન્જીનીયરીંગ, ટેકનોલોજી, સહિતમાં આવેલા નવા પરિવર્તનોથી લોકોને માહિતગાર કરાશે. જેમા કોલેજ સ્ટુડન્ટસ, વ્યાવસાયિકો, સરકારી અધિકારીઓ સહિત સમાજના તમામ વર્ગને આવરી લેવાનો હેતુ છે.

જેમ કે, એકદમ ઓછા ખર્ચે ઈશરો દ્વારા ''મંગલયાન''નું નિર્માણ, દરિયાકાંઠે ઊગતા નાળિયેરને ફ્રીજમાં મુકતા પહેલા તેની વધારાની છાલ કાઢી લઇ વિદ્યુતનો બચાવ સહિત અનેક બાબતોનો સમાવેશ થાય છે. જે સમાજના દરેક વર્ગ માટે લાભદાયી બની શકે છે. તેથી માર્ચ ૨૦૧૮થી આ પ્રકારના 'આઈ- ટોક'ના આયોજનો થઇ રહ્યા છે.

આ પ્રોગ્રામમાં કર્ણાટકના ડીજીઆઈપી મહિલા સુશ્રી રૂપા મોડગીલ આઈપીએસ, તથા ટાટા મોટર્સ લી.ના ચિફ ઓપરેશન્શ ઓફિસર ડો. અમિત ભિન્ગુર્ડે મુખ્ય વકતા તરીકે હાજરી આપશે.

સુશ્રી રૂપા મોડગીલ સૌપ્રથમ કન્નાડીગા આઈપીએસ ઓફિસર છે જેઓ બેંગલુરૂમાં ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે. જેમણે બેંગલુરૂ જેલમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. જેમાં એઆઈડીએમકે લીડર શશિકલાને અપાતા વિશેષાધિકારો ખુલ્લા પાડવાનું તેમણે કામ કર્યુ હતું. તેમણે પ્રેસિડન્ટ દ્વારા અપાતો સુપ્રતિષ્ઠિત ''પોલીસ મેડલ ફોર મેરીટોરીઅસ સર્વિસ'' એવોર્ડ મેળવેલો છે. ભારત તથા ઇઝરાઇલ વચ્ચેના જોડાણ માટે તેઓને ઇઝરાઇલ સરકારે પ્રતિનિધિ મંડળમાં પસંદ કર્યા હતા. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોલીસ ફોર્સને લગતા એડવાન્સ ટ્રેઇનીંગ કોર્સમાં પણ તાલીમ મેળવેલી છે. ખાસ કરીને તેમણે સરકારી અધિકારીઓ શા માટે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા અચકાય છે તે અંગે આપેલી સ્પીચએ યુટયુબ ઉપર રેકોર્ડ બ્રેક દર્શકો મેળવેલા છે.

અન્ય વકતા શ્રી અમિત ભિન્ગુર્ડે કે જેઓ ટાટા મોટર્સ લી.ના ચિફ ઓપરેશન ઓફિસર છે. તેઓ ઓટોમોબાઇલ્સ એરોસ્પેસ, તથા જનરલ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે કાર્યરત કુકા સિસ્ટમ્સ ઇન્ડિયામાં ૨૦૦૮ થી ૨૦૧૩ની સાલ દરમિયાન સીઈઓ તથા પ્રેસિડન્ટ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. તેમજ એન્જીનીઅરીંગ, રોબોટીક ટેકનોલોજી, ઓટોમેશન તેમજ પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ષેત્રે ૨૭ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના વિશાળ અનુભવનો હવે ટાટા મોટર્સ લી.ને  લાભ મળી રહ્યો છે.

તેમણે ૧૯૯૨ની સાલમાં ટાટા મોટર્સમાં એન્જીનીઅર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓ નવી પ્રોડકટ તથા નવા પ્રોજેકટ રજુ કરવામાં માહેર ગણાય છે. ટાટાની સૌપ્રથમ સ્વદેશી ઇન્ડિકા કારના નિર્માણ માટે રાષ્ટ્રપતિ દ્વારા  સન્માનિત કરાયેલ ટાટા મોટર્સની ટીમમા  તેઓ શામેલ હતા. તેઓ ઇન્ડસ્ટ્રીઅલ એન્જીનીયરીંગ એન્ડ પ્રોડકશન સાથેની બેચલર ડીગ્રી ધરાવે છે. તેમણે દેશ વિદેશોમાંથી અનેક એવોર્ડ મેળવેલા હોવાનું એક યાદીના અંતમાં જણાવાયુ છે.

(12:32 pm IST)