Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

બિયારણના વધુ રૂપિયા લેનાર કંપની સામે કાર્યવાહી કરાશેઃ રાજ્યમાં કોઇપણ જગ્યાએ પીવાના પાણીની અછત નહીં સર્જાયઃ રાજકોટમાં વીડિયો કોન્ફરન્સઃ કેબિનેટ બેઠકમાં કુંવરજીભાઇ બાવળીયા-જયેશભાઇ રાદડિયાની ઉપસ્‍થિતિ

રાજકોટ: ગુજરાત રાજ્યની કેબિનેટ કક્ષાની આજ રોજ બેઠક મળી હતી. બેઠકમાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા અને કુંવરજી બાવળિયા જોડાયા હતા. લોકડાઉનના પગલે કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સ મારફત કરવામાં આવી રહી છે. આજે રાજકોટ ખાતે વીડિયો કોંફોરન્સ મારફત કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કુંવરજીભાઇ બાવળીયા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પીવાના પાણીની મુશ્કેલી સર્જાઇ તે માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પીવાના પાણી ની અછત હતી ત્યાં અધિકારીઓને સાથે રાખી પીવાના પાણી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં પાઇપલાઇન મારફત પાણી આપવામાં આવે છે અને જ્યાં પાઇપલાઇન હોય ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પશુપાલન વિભાગની વાત કરતા જણાવ્યું હતું કે, પશુપાલકોને પશુ દીઠ 25 રૂપિયાની સહાય સબસીડી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કેટલીક ખાનગી કંપનીઓ બિયારણના વધુ રૂપિયા વસુલ કરી રહી છે, જેની સામે કાર્યવાહી કરવા કૃષિ મંત્રી સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.

કેબિનેટ કક્ષાની મીટિંગ પૂર્ણ થતા જયેશ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિ અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બે માસ દરમિયાન apl અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. એક કરોડ જેટલા પરિવારોને નિશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. તુવેરની ખરીદીની પ્રક્રિયા ટેકાના ભાવે પૂર્ણ કરી લેવામાં આવી છે, તો ઘઉંની ટેકાના ભાવે ખરીદી હજુ પણ શરૂ છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ ખાદ્ય પદાર્થોની કાળા બજાર થતી હશે તો ત્યાં પુરવઠા વિભાગ દ્વારા દરોડાની કામગીરી પણ કરવામાં આવશે. અમદાવાદમાં પણ કેટલીક ફરિયાદો સામે આવી છે. દુકાનો ખુલતા ત્યાં વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે તે તમામ જગ્યાએ પણ પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

(5:03 pm IST)