Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા, તો મર્યા સમજજો !

સવા કરોડની વસ્તીવાળા સ્વીડનમાં કોઇપણ જાતની વેકસીન વગર હર્ડ ઇમ્યુનીટીને અપરોક્ષ રીતે અજમાવવામાં આવીઃ વડીલો, નાના બાળકો અને ગંભીર રોગ ધરાવતા લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરાયુ, દુનિયાભરમાં

લોકડાઉન હળવુ થયા પછી જ સાચી કસોટી છેઃ રસી ન શોધાય ત્યાં સુધી સ્વયં જાગૃતિ અને હર્ડ ઇમ્યુનીટી જ ખરો ઇલાજઆ મોડલની ચર્ચા છે

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જયારે કહ્યું કે લોકડાઉન ૪ નવા રંગરૂપમાં આવશે. વિવિધ રાજયોને સત્ત્।ા આપવામાં આવી તે મુજબ દરેક રાજયોએ કેન્દ્ર સરકારના આદેશને અનુંસરી પોતાની રીતે પ્રજાને છૂટછાટ આપી અને કામ-ધંધા-રોજગાર શરૂ પણ થયા જે ખરેખર સારી બાબત છે. જાણે કેટલાય વર્ષોથી કાળાપાણીની સજા ભોગવી જેલમાંથી બહાર આવ્યા હોય તેમ લોકો નિકળી પડ્યા. જાણે કોરોના હતો જ નહીં! કે છે જ નહીં! સોશિયલ ડિસ્ટન્સ કી ઐસી કી તૈસી કરી લોકો ફરી ટોળે વળવા લાગ્યા. સરકારે સૂચવેલ પગલાઓને દ્યોળીને જાણે આપણે પી ગયા હોઇએ તેમ કોઇને સોશિયલ ડિસ્ટન્સની પરવા જ નથી. સોશિયલ ડિસ્ટન્સ કી ઐસી કી તૈસી કરી બધા રૂટીન લાઇફમાં આવવા લાગ્યા છે. આપણે એ ન ભૂલવું જોઇએ કે કોરોના આ દુનિયામાંથી ગયો નથી.

 ગત તા.૧૯ ને મંગળવારે જયારે ગુજરાતમાં લોકડાઉન ૪ શરૂ થયું ત્યારે તો જાણે ઉનાળામાં દિવાળી જેવો માહોલ સર્જાયો. ખાસ કરીને ગાંઠિયા, તમાકુ-પાન-સીગારેટ-બીડી, ક્ષૌરકર્મ, મોબાઇલ માટે જોરદાર પડાપડી થઇ. રાજકોટની દાણા પીઠમાં તો દાણા એટલા માણા જોવા મળ્યા. છેલ્લા ૨ મહિનાથી શાંત રહેલી બજારોમાં દેકારો થવા લાગ્યો. સોશિયલ ડિસ્ટન્સિંગ કી ઐસી કી તૈસી વિચારીને લોકો પોતાનું ધાર્યું કરી રહ્યાં છે. સરકાર અને તંત્ર દ્વારા વારંવાર કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અપીલ કરવામાં આવે છે. ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વારંવાર પોતાના સંબોધનમાં આ વાત કહી રહ્યા છે તેમ છતાં સરકારની આ અપીલને લોકો દ્યોળીને પી રહ્યાં છે. અરે..! કોરોના સામેના ખરાખરીના જંગની સાચી પરીક્ષા તો હવે શરૂ થઇ છે. અત્યાર સુધી દ્યરમાં રહી આપણે સોશિયલ ડિસ્ટન્સનું ચૂસ્તપણે પાલન કર્યું પણ જયારે હવે બજારો ખુલી છે ત્યારે કેસ વધવાની સંભાવના પણ વધી છે.

 કોરોના વાયરસની મહામારીમાં લોકોના જીવ ન હોમાય તે માટે સમગ્ર દેશને લોકડાઉન કરાયો હતો. એક બીજાનો સંપર્ક તોડવાથી કોરોનાનું સંક્રમણ રોકવા દેશને થંભાવી દેવાયો હતો. આવી પરિસ્થિતીમાં પરપ્રાંતિય મજુરો પોતાના વતન તરફ રવાના થવા આતુર થયા અને એ પણ જુથમાં. ન કરે નારાયણ આમાંથી કોઇ એકાદને કોરોના લક્ષણ હોય તો આ જીવતા બોમ્બ બની શકે! આવી જ પરિસ્થિતિ હાલ લગભગ દરેક શહેરોની જોવા મળી રહી છે. લોકો બિન્દાસ ફરે છે. મોઢા પરથી નીચે ઉતરેલા માસ્ક, સ્કૂટર પર ડબલ સવારી, હેન્ડ સેનેટાઇઝરથી વારંવાર હાથ સાફ ન કરવા, સાબુથી હાથ ન ધોવા વગેરેનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે. સરકારી નિયમોનો ઉલાળિયો થઇ રહ્યો છે. લોકડાઉન ૪.૦ એ વ્યવહારૂ અર્થમાં લોકડાઉનનો અંશ માત્ર રહ્યું છે. કોઇ પણ શહેર હોય કન્ટેનમેન્ટ ઝોનની માંડ આઠ ટકા વસતિ માટે લોકડાઉનના નિયમો રહ્યા છે, પાલન કેટલું થાય છે એ તો એ વિસ્તારના લોકોને જ ખબર છે.

હર્ડ ઇમ્યુનીટી શું છે?

કોવિડ-૧૯ વાઇરસ સામેના જંગમાં વિશ્વભરમાં હજુ કયાંય કોઈ અસરકારક વેકિસન કે રણનીતિનું હથિયાર શોધાયું નથી ત્યારે કદાચ સરકારને પણ રશિયા અને અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની મહદ્ અંશે સફળ ગણાવાયેલી હર્ડ ઈમ્યૂનિટીની વ્યૂહરચનામાં જ આખરી અને સહેલો રસ્તો દેખાયો લાગે છે. હવે પ્રશ્ન એ થાય કે આ હર્ડ ઇમ્યૂનિટી વળી કઇ બલા છે? હર્ડ ઈમ્યૂનિટી એટલે જયારે કોરોના જેવા ચેપી વાઈરસની મહામારી ફેલાયેલી હોય અને તેની રસી શોધાઈ જ ન હોય ત્યારે માત્ર સામાન્ય લોકોની વ્યકિતગત રોગપ્રતિકારક શકિતના બળે જ જંગ લડવાની રણનીતિ અપનાવાય. જેમ જેમ વધુ લોકો આ વાઈરસના સંક્રમણમાં આવે અને તેમની રોગપ્રતિકારક શકિતના બળે શરીરમાં એન્ટીજન સર્જાય એટલે આપોઆપ આવી વ્યકિત ચેપની ચેઈનને તોડે અને રોગ આગળ વધતો અટકાવે. આમાં જોખમ એ છે કે, જેની રોગપ્રતિકારક શકિત ઓછી છે તેમને આ વાઈરસ ભરખી જાય તેનો પણ ભય રહે છે. મૃત્યુઆંક વધવા પણ માંડે. પણ એક વખત સમગ્ર વસતિમાં તે ફેલાઈ જાય એટલે વાઈરસને નવો હોસ્ટ ન મળે અને સંક્રમણ રોકાય. ત્યાં સુધીમાં કદાચ તેની રસી પણ શોધાઈ જાય. આ હર્ડ ઈમ્યૂનિટી આધારિત રણનીતિ ગણાય. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને આ મહામારીની સામે લડનારા વિદ્વાનોનો એક વર્ગ માને છે કે, કોરોના વાઇરસ સામે લડવા એક માત્ર હથિયાર હર્ડ ઇમ્યૂનિટી છે. હર્ડનો અર્થ ઝુંડ કે સમૂહ થાય છે અને ઇમ્યૂનિટીનો અર્થ રોગ પ્રતિકારકશકિત થાય છે. વિદ્વાનોના મત અનુસાર હર્ડ ઇમ્યૂનિટી એટલે કોરોના વાઇરસને સમાન રૂપે ફેલાવા માટે સમય આપવામા આવે જેથી સામૂહિક રૂપે લોકોમા કોરોના વાઇરસને લઇને એક રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થાય.

 જોકે હાલ જે રીતે બજારો ધમધમવા લાગી છે તે જોતા એવું લાગે છે કે લોકોએ કોરોનાને કોરાણે મૂકી દીધો છે. આટ-આટલું સમજાવા છતાં અને ખુદ જાણતા હોવા છતાં મોટાભાગે એવું લાગે છે કે કોઇ જ સોશિયલ ડિસ્ટન્સ કે નિયમો જળવાતા નથી. આપણને કોરોના ન થાય! તેવું આપણે કદાચ માની બેઠા છીએ. હવે તો આગામી તા. ૩૧ પછી સરકાર રાજયોની સિમા પણ ખોલવા વિચારે છે તો સંક્રમણના પ્રમાણનું જોખમ પણ અનેક ગણું વધી જશે. કોરોના સામે ખરાખરીનો જંગ તો આપણે હવેજ શરૂ થયો છે. જેને આપણે આપણી શારીરિક શકિતથી જીતવાનો છે. આપણી આ હર્ડ ઈમ્યૂનિટીની રણનીતિનો આગ્રહ અનેક વાયરોલોજિસ્ટ સહિતના નિષ્ણાતો રાખી રહ્યા હોવા છતાં મોટાભાગના દેશમાં તેનો સત્ત્।ાવાર સ્વીકાર કરવામાં આવતો નથી. આની પાછળનું કારણ એ છે કે, ફાર્મા ઈન્ડસ્ટ્રી અને ખાસ કરીને તો વેકિસન ઈન્ડસ્ટ્રી આનો સખત વિરોધ કરે છે. જો આ રણનીતિ સત્ત્।ાવાર અપનાવાય તો રસી શોધાય કે નહીં તેની કોઈને એવી ઉતાવળ જ ન રહે, કયાંક તો જરૂર પણ ન રહે. વિશ્વમાં માત્ર સ્વીડન એકમાત્ર દેશ છે જયાં કોઈ વેકસીન વગર હર્ડ ઇમ્યૂનિટીને અપરોક્ષ રીતે અજમાવવામાં આવી છે. અહીં ૨૦૦૦થી પણ વધારે રિસર્ચરે એક અરજી ઉપર હસ્તાક્ષર કરીને સરકારને કહ્યું હતું કે અમે હર્ડ ઇમ્યૂનિટીને આગળ વધારવા માંગીએ છીએ. સ્વીડને રેસ્ટોરાં, પબ, બાર, નાના બાળકો માટે ૯માં ધોરણ સુધી સ્કૂલ અને અન્ય વ્યવસાય બંધ કર્યા નથી. સવા કરોડની વસ્તીવાળા આ દેશમાં હર્ડ ઇમ્યૂનિટી હોવા છતાં ૭૦ વર્ષથી ઉપરના વડીલોનું, નાના બાળકોનું, ગંભીર રોગ ધરાવતા લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને સોશિયલ ડિસ્ટન્સિગનું ચૂસ્ત પાલન પણ કરાયું. હવે વિશ્વભરમાં આ મોડલની ચર્ચા છે.

 લોકડાઉન ખુલવું જ જોઇએ. હું પણ તે સ્વિકારૃં છું પણ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારના નિયમોને અનુંસરવું પણ એટલું જ અગત્યનું છે. ગુજરાત સરકારે નિયમ કર્યો છે કે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી જ બજારો ખુલી રહેશે. તો શું આ સમય દરમિયાન કોરોનાવાયરસ ફેલાતો નથી? શું સાંજે જ કોરોના ફેલાય છે? આ નિયમથી હવે એવું થયું છે કે નિશ્વિત સમય દરમિયાન જ દૂકાનો પર દ્યરાકી વધવાથી ભીડ એકઠી થઇ જાય છે. મારા મતે જે દૂકાનો એકી-બેકી સંખ્યા મુજબ ખોલવાની હોય તેને આખો દિવસ તેની નિશ્યિત તારીખે અને સમયે ખોલવાની છૂટ આપી શકવાનું વિચારી શકાય. જેથી સોશિયલ ડિસ્ટન્સ કે નિયમો પણ જાળવી શકવામાં કદાચ સહાય મળે. હવે જો કામની સાથે કોરોનાના સંક્રમણથી બચવું હશે તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક, સેનેટાઇઝર, હેન્ડ વોશ વગેરે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવું જ રહ્યું.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:49 pm IST)